ગાંધીનગરમાં ઉનાળાના પ્રારંભે અપૂરતા પ્રવાહથી પાણી આવતા પાણીની સમસ્યાઓ વધી

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતમાં અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. શહેરના સેકટર – ૨ વિસ્તારમાં અપૂરતા ફોર્સથી પાણી પૂરું પાડવામાં આવતા સવાર પડતાં જ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે આ સમસ્યાનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં ઉનાળાની શરૂઆત પહેલાં તંત્ર દ્વારા પાણીની બૂમરાણ ઉઠે નહીં તે માટે આગોતરું આયોજન કરવામાં આવતું હોય છે. તેમ છતાં છેલ્લા ઘણા દિવસોથી પાણીનો ફોર્સ ઘટી જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સેક્ટર -૨ માં પાણીનો ફોર્સ ઘટી જવાથી અંડર ગ્રાઉંડ ટાંકી પણ ભરાતી નથી. શહેરના સેકટર – ૧ થી ૧૪ સેક્ટરોમાંસરિતા ઉદ્યાનની પાણીની ટાંકી દ્વારા પાણીનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જેનો થોડાક દિવસથી ફોસૅ ધટી જતાં વસાહતીઓને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. હજી તો ઉનાળાની શરૂઆતમાં જ અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાથી વસાહતીઓમાં બૂમરાણ ઉઠી છે.

જો કે પાણીની સમસ્યાનાં કાયમી ઉકેલ માટે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ અન્વયે નવી પાઈપ લાઈન નાંખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કામ પૂર્ણ થઈ ગયા પછી ચોવીસ કલાક પાણી પુરવઠો મળતો થશે. જેનાં માટે વસાહતીઓને પૈસા પણ ચૂકવવા પડશે. પરંતુ સેક્ટર – ૨ માં સવારનાં પાણીના સપ્લાયનાં અંતે ધરની અંડર ગ્રાઉન્ડ ટાંકી પણ ભરાતી નથી. આ અંગે સેકટર – ૨ વસાહત મંડળના પ્રમુખ રાજેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાત સંતોષવા માટે પ્રતિદિન ૨૦ એમ.એલ.ડી જેટલો જથ્થો જોઈએ જેની સામે ૧૫ થી૧૭ એમ.એલ.ડી જેટલા પાણીનો સપ્લાય કરવામાં આવે છે. જેના લીધે પુરતા ફોસૅથી પાણી આવતું નથી.નિયત સમય કરતાં પહેલાં પાણીનો સપ્લાય બંધ થઈ જાય છે.આવા સંજોગોમાં પુરતા પ્રમાણમાં પાણી નહીં મળતા કકળાટ શરૂ થયેલ છે. જેથી સત્વરે પાણીની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવામાં આવે તેની વસાહતીઓની માંગણી છે.