અમિત શાહ વર્ચ્યુઅલી AMC તથા AUDA દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સમ્પન્ન થયું.

 

આ ઈ-લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદશ્રી અમિતભાઈ શાહે પોતાના ઉદબોધનની શરૂઆત કરતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ નિમિત્તે તથા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રગૌરવ પ્રત્યેના યોગદાનને પ્રણામ કર્યા હતા.

 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકારનો સંકલ્પ છે કે, ગુજરાતમાં કોઈ વ્યક્તિ ઘરવિહોણી ન રહી જાય. અને તે સંકલ્પને પૂર્ણ કરવા તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. આજે સાણંદની આસપાસ ઔધોગિક વિકાસ પ્રસરી રહ્યો છે માટે સનાથલ ઓવરબ્રિજથી ઘણા લોકોને ફાયદો થશે. સનાથલ બ્રિજની વર્ષોની માંગણી આજે પૂરી થઈ છે, એનો આનંદ છે. આજે શેલા ગામે વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે, જેથી ગામના લોકોને ફાયદો થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સ્કૂલ એ બાળકમાં સુષુપ્ત રહેલી શકિતને બહાર લાવી ઉજાગર કરવાનું પ્લેટફોર્મ છે. સ્માર્ટ સ્કૂલથી બાળકના શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવશે. તેમણે કોર્પોરેશન તથા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૪૫૯ જેટલી મ્યુનિ. શાળાઓ આવેલી છે જેમાં ૧,૭૦,૦૦૦ બાળકોનું ઘડતર થઈ રહ્યું છે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની ૯૬ સ્કૂલમાંથી ૨૮ સ્કૂલો સ્માર્ટ થઈ છે. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, હું ખાતરી આપું છું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વિકાસયાત્રા અવિરતપણે ચાલતી રહેશે.

 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં નાનામાં નાના, વંચિત, ગરીબ, છેવાડાના માનવી સહિત સૌને વિકાસની મુખ્ય ધારામાં આપણે લાવ્યા છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને સૌનો પ્રયાસ’ના ધ્યેય સાથે તેમણે વિકસાવેલી વિકાસની રાજનીતિ ગુજરાતના વિકાસના પાયામાં રહેલી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

ગુજરાતના વિકાસ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આજે ગુજરાત ગુડ ગવર્નન્સ થકી દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ, કૃષિ, ગ્રામીણ વિકાસ દરેક ક્ષેત્રે પ્રાયોરિટી નક્કી કરી પોલીસી બનાવીને પરફોર્મન્સ દ્વારા ગુજરાતે વિકાસના નવા બેંચમાર્ક પાછલા બે દાયકામાં સ્થાપિત કર્યાં છે. એડવાન્સમેન્ટ, એનહાન્સમેન્ટ અને ડેવલપમેન્ટથી વિકાસની વૈશ્વિક રફતાર તરફ આપણે જવું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

ગુજરાતના વિકાસ અંગે વિવિધ યોજનાઓ અને બજેટની ફાળવણી અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનશ્રી એ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ડ્રાઇવિંગ ફોર્સ તરીકે આ વર્ષના બજેટમાં વિશેષ મહત્વ આપ્યું છે. ગુજરાત રાજ્યએ પણ આ વર્ષે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ ?૩ લાખ કરોડનું ફાળવ્યું છે, જેમાં આવનાર પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પાંચ લાખ કરોડ રૂપિયા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

મુખ્યમંત્રી એ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિકાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાયાની સગવડો અને સોશિયલ સિક્યોરિટી પૂરી પાડવી એ વિકાસના પાંચ સ્તંભોમાંનો પ્રથમ સ્તંભ છે. નરેન્દ્ર મોદી અને અમિતભાઈએ ‘કહેવું તે કરવું’ નો ધ્યેય મંત્ર આપ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો શ્રેષ્ઠ મતવિસ્તાર અને હરિયાળો મતવિસ્તાર બને તે માટે પાયાની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ  અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ખૂબ જ ઝડપથી પરિપૂર્ણ કરવામાં આવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

અનુપમ સ્માર્ટ સ્કૂલ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતિ અંતર્ગત બાળકના કવોલીટી એજ્યુકેશન, સ્કીલ ડેવલોપમેન્ટ અને સ્માર્ટ લર્નિંગ ટેકનોલોજી પર ફોકસ કરવામાં અનુપમ સ્માર્ટ શાળાઓ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ‘સ્માર્ટ સ્કૂલ,સ્માર્ટ લર્નિંગ, સ્માર્ટ કિડ, સ્માર્ટ ફ્યુચર’ ની સ્ટ્રેટેજી સાથે સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. આજે સરકારી શાળાઓમાં મળી રહેલી સ્માર્ટ અને હાઈટેક શિક્ષણ સુવિધાઓ થકી ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ ૨૮ શાળાઓ સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે ત્યારે વધુ પાંચ સ્કૂલોનું ઈ-લોકાર્પણ થયું છે ત્યારે આ લોકસભા વિસ્તારના ૧૩૦૦૦ જેટલા બાળકોને આ શાળાઓનો લાભ મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

 

આ પ્રસંગે ઈ-લોકાર્પણ કરવામાં આવેલા પ્રકલ્પો અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઈ-લોકાર્પણ કરવામાં આવેલા કુલ આઠ જેટલા અલગ અલગ વિકાસ કાર્યો આ વિસ્તારમાં જનસુખાકારીમાં અનેકગણો વધારો કરશે. આજે ગુજરાત રોડ, રસ્તા, બ્રીજ સહિત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટની બેસ્ટ ફેસેલિટી વાળું રાજ્ય બન્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આજે આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે આજે લોકાર્પણ થયેલા કુલ ૧૫૪ કરોડના વિકાસકાર્યો આ વિસ્તારોમાં ગરીબ, જરૂરિયાતમંદ, વંચિત અને નાનામાં નાના માણસના જીવનને અમૃતમય બનાવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

પ્રાસંગિક ઉદબોધનમાં મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તાર સૌથી વિકસિત મતવિસ્તાર તરીકે ઉભરી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આજે અમદાવાદ અને ગાંધીનગર અનેક ક્ષેત્રે વિવિધ વિકાસ કર્યો થકી ઉત્કૃષ્ટ પ્રગતિ કરી રહ્યા છે. આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ક્ષેત્રે પણ અમદાવાદ હબ બની રહ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે AMC અને ઔડાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના આજે ઈ-લોકાર્પણ થયેલા વિકાસ કાર્યોમાં ? ૬૨ લાખના ખર્ચે ચાંદખેડા વોર્ડમાં સિનિયર સિટીઝન પાર્ક અને નવા વાડજ વોર્ડમાં સિનિયર સિટીઝન કમ રી-ક્રીએશન પાર્ક, ૭.૩૮ કરોડના ખર્ચે ૫ અનુપમ સ્માર્ટ શાળાઓ, ૪.૩૯ કરોડના ખર્ચે રાણીપમાં જીએસટી ફાટક પાસે પેડેસ્ટ્રીયન સબવે, ૪૦ લાખના ખર્ચે નારણપુરા વોર્ડમાં પાંચ નવી આંગણવાડી, ૯૭ કરોડના ખર્ચે સનાથલ જંકશન ખાતે ઓવરબ્રિજ, ૫.૬૮ કરોડના ખર્ચે શેલામાં ડ્રેનેજ પંપીંગ સ્ટેશન અને નેટવર્ક સહિત બાવળામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા ૩૮.૫૮ કરોડના ખર્ચે કુલ ૪૬૮ આવાસોના કામોનો સમાવેશ થાય છે.

 

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, ઔડાના સીઇઓ ડી.પી. દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, સર્વે કોર્પોરેટરો, ધારાસભ્યો, તથા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.