રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય સ્ટ્રેન સામે ખૂબ જ અસરકારક

દુનિયામાં અત્યારે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટે ખોફ મચાવ્યો છે. અનેક દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે ફરી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટ એટલું સંક્રામક અને ઘાતક છે કે તેના પર વેક્સિનની અસર પણ વધારે નથી થતી. જો કે ડેલ્ટા વેરિયન્ટ પર દરેક વેક્સિન કંપની પોતાના દાવા કરી રહી છે. હવે જોનસન એન્ડ જોનસન કંપનીએ દાવો કર્યો છે કે તેની વેક્સિનનો સિંગલ ડોઝ કોવિડ-૧૯ વેક્સિના ડેલ્ટા વેરિયન્ટ અને વાયરસના અન્ય સ્ટ્રેન પર ઘણો અસરકારક છે.

જોનસન એન્ડ જોનસનનું કહેવું છે કે તેની વેક્સિન સંક્રમણની વિરુદ્ધ લાંબા સમય સુધી બમણી સુરક્ષા આપે છે. કંપનીના ડેટા પ્રમાણે તેની વેક્સિન લેનારા લોકોમાં ૮ મહિના સુધી ઇમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. કંપનીનું કહેવું છે કે આની વેક્સિન ૮૫ ટકા સુધી પ્રભાવશાળી છે. સાથે જ આ હૉસ્પિટલમાં ભરતી થવા અને મોતથી બચાવે છે. જોનસન એન્ડ જોનસન સંશોધન વડા પ્રમુખ ડોક્ટર મથાઈ મેમેને કહ્યું કે, “૮ મહિનાના ડેટામાં જાણવા મળ્યું છે કે જોનસન એન્ડ જોનસનની સિંગલ શૉટ વેક્સિન મજબૂત ન્યુટ્રલાઇજિંગ એન્ટીબોડી બનાવે છે જે સમયની સાથે સાથે વધતી જાય છે.”

કંપનીનું કહેવું છે કે, ડેટામાં જોનસન એન્ડ જોનસનની વેક્સિન લેનારા લોકોમાં ડેલ્ટા સહિત તમામ વેરિયન્ટની વિરુદ્ધ મજબૂત ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી મળી છે. કંપનીએ પોતાની વેક્સિનનો ડેટા bioRxiv પર પ્રીપ્રિન્ટ તરીકે સબમિટ કર્યો છે. જો કે આ સ્ટડીની સમીક્ષા અત્યારે નથી કરવામાં આવી. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે કોરોના વેરિયન્ટનું ડેલ્ટા વેરિયન્ટ અનેક દેશોમાં ફેલાઈ ચુક્યું છે અને આવનારા સમયમાં આ સૌથી ઘાતક બની શકે છે.