મનપા વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવાની જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદિય મત વિસ્તારને હરીયાળું બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે વિકાસના કામોમાં ઓછા વૃક્ષો કપાય તેની તકેદારી રાખવાની સુચના કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી છે. વિકાસ કામોની સાથે વર્ષો જૂના વૃક્ષોને સ્થાનાંતરિત કરવા અને વૃક્ષોનું જતન કરવા સહિતના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેમાં રોડ-રસ્તા, બિલ્ડીંગ. મેટ્ર્રો રેલ પ્રોજેક્ટ, સ્માર્ટ સીટી અંતર્ગત થનાર વિકાસ કામોના કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીના પ્રતિનિધીઓ પાસેથી વિકાસના કામોના આયોજનમાં કેટલા વૃક્ષો કાપવા પડે છે તેની આંકડાકીય માહિતી મેળવીને વધુને વધુ વૃક્ષો બચાવવા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

વિકાસના કામોને પગલે ઓછા વૃક્ષો કપાય તેની ખાસ તકેદારી રાખવાની કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપી છે. જે અંતર્ગત વૃક્ષોના કટીંગની સામે વાવેતર કરાયેલા રોપાંઓનું ચાર વર્ષ સુધી જતન કરવા કલેક્ટરે આદેશ કર્યો છે. ઉપરાંત મનપા વિસ્તારની ખુલ્લી જગ્યાઓમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવાની જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે.

ઉપરાંત વિકાસનાં કામોમાં જેટલા વૃક્ષો કાપવા પડે તેનાથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો કલેક્ટરે આદેશ કર્યો છે. વાવેતર કરાયેલા રોપાઓની માવજત ચાર વર્ષ કરવા આદેશ કર્યો છે. રોપાંઓને ઢોર ખાઇ જાય નહી તે માટે મનપાએ વૃક્ષારોપણની જગ્યાને તારની ફેન્સિંગ કરી અપાશે. નગરને હરીયાળુ બનાવવા મનપા વિસ્તારમાં જેટલી ખુલ્લી જગ્યાઓ છે. ત્યાં વધુને વધુ વાવેતર કરવા તમામ એજન્સીઓને છૂટ આપી છે.