સુરતના વરાછામાં આગની ઝપેટમાં બે દુકાન સહિત ચાનું કેબિન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં આવેલા જીકે ચેમ્બર્સની ફર્નીચરની દુકાન બહાર રાખેલી જૂની ખુરશીઓમાં અચાનક આગ લાગી જતા બે દુકાન સહિત ચાનું કેબિન અને નિંદ્રાવાન ચા-વાળો ઝપેટમાં આવી ગયો હતો. વહેલી સવારે બનેલી દુર્ઘટના બાદ સામે હીરાના કારખાનામાં કામ કરતા કારીગરોએ સમયસર ફાયરને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. નજરે જોનાર દીક્ષિત કાપડીએ કહ્યું હતું કે, થોડું મોડું થયું હોત તો ઉપર ત્રણેય માળે કામ કરતા રત્નકલાકારો ફસાઈ ગયા હોત.

જોકે ઘટનાની ભાગદોડ વચ્ચે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવતા રાહત નો દમ લીધો હતો. કોલ વહેલી સવારના ૪ઃ૩૭ વાગ્યાનો હતો. બે દુકાન અને એક કેબિન સળગી રહ્યા હોવાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી દાઝી ગયેલા એક શ્રમજીવીને ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. રોજીવાડિયા (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, આગ ફર્નિચરની દુકાન બહાર મુકવામાં આવેલી જૂની ખુરશીમાં લાગ્યા બાદ ફર્નિચરની દુકાન અને બાજુમાં આવેલી હીરાના કાગળનું વેચાણ કરતી દુકાનને પોતાની ઝપેટમાં લીધી હતી. એટલું જ નહીં પણ ચાનું કેબિન પણ આગની ઝપેટમાં આવતા બાજુમાં જાહેરમાં સૂતેલો ચા-વાળો દાઝી ગયો હતો.

જોકે સમય સૂચકતાને લઈ કોઈ મોટી જાનહાની નોંધાઈ ન હતી. દીક્ષિત કાપડી (નજરે જોનાર)એ જણાવ્યું હતું કે, વહેલી સવારે ચા પી કારખાનાની બહાર નીકળ્યા હતા. મારા સાથી કર્મચારી કાકાને કઈ સળગતું દેખાયું ને તાત્કાલિક ૧૦૦ નંબર પર જાણ કરી ફાયરને માહિતી આપી હતી. ગણતરીની મિનિટોમાં ફાયરની ગાડીઓ આવી જતા આગ કાબૂમાં આવી ગઈ હતી. જોકે બને દુકાનને ઝપેટમાં લેતા ત્રણ માળના જીકેચેમ્બર્સમાં ઉપર આવેલી હીરાની ઓફિસોમાં કામ કરતા રત્નકલાકારોમાં ડર નો માહોલ જોવા મળ્યો હતો. આગ કાબૂમાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.