કમર પર મોરપિંછ બાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાનાં દરિયામાં ડુબકી લગાવી જળમગ્ન દ્વારકા નગરીના દર્શન કર્યા

દ્વારકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ૨૫ ફેબ્રુઆરીએ બીજા દિવસ છે. અહીં તેમણે ઉંડા સમુદ્રમાં પાણીની અંદર ડુબકી લગાવી. ત્યારબાદ તેમણે તે સ્થાન પર પ્રાર્થના કરી જ્યાં જળમગ્ન દ્રારકા શહેર છે. પીએમ મોદીએ આ દરમિયાન શહેરની ભવ્યતા અને સમૃદ્ધિને યાદ કરતાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સાથે જ ડુબકી લગાવતાં પહેલાં તેમની કમર પર મોરપિંછ પણ બાંધેલા હતા.

પીએમ મોદીનું કહેવું છે કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી ખૂબ જ દિવ્ય અનુભવ હતો. મને આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના એક પ્રાચીન યુવ સાથે જાડાયેલા હોવાનો અનુભવ થયો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાનું ભલુ કરે.

તમને જણાવી દઇએ કે ગુજરાતના ઓખામાં બનેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ શ્રી કૃષ્ણની નગરી દ્વારકા પહોચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રવિવારે ૨૫ ફેબ્રુઆરીએ જનસમૂહે ‘જય દ્રારકાધીશ’ મા ગગનભેદી જયઘોષ સાથે ભાવપૂર્ણ સ્વાગત કર્યું. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા હેલીપેડથી જગત મંદિર જવાના માર્ગે વિવિધ સ્થળોએ નાગરિકોએ મોદીનું અભિવાદન કર્યું હતું.

ઓખા મંડળ વિસ્તારની વિશેષ ઓળખ ઉજાગર કરતા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ગ્રામજનો ઉપરાંત નગરજનો પણ તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં રસ્તા પર ઉભા હતા. ઘણી સ્ત્રીઓ ગરબા નૃત્ય કરી રહી હતી, જ્યારે કૃષ્ણ ભક્તિના સુગમ સંગીત, ઢોલ અને શરણાઇની ધૂન સાથે ઊભેલી ભીડ તેમની એક ઝલક મેળવવા આતુર હતી. રૂટ પર વિવિધ સ્થળોએ ઉભા કરાયેલા સ્ટેજ પર કલાકારોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. વડાપ્રધાને નાગરિકોની શુભેચ્છાઓ પણ સ્વીકારી હતી. આ સમય દરમિયાન, રસ્તાની બંને બાજુએ ઉભેલી ભીડએ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં આનંદના અવાજો સાથે તેમનું સ્વાગત કર્યું. તેમનો કાફલો જે માર્ગો પરથી પસાર થતો હતો તે માર્ગો પર ‘જય દ્વારકાધીશ’ના ગગનભેદી જયઘોષની ગૂંજ સંભળાઇ હતી.