Weather Update: ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જેમાં કહેવામા આવ્યું છે કે ૨૫ અને ૨૬માં વાદળવાયું આવશે. ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. માર્ચના પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં પલટો આવશે. ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા રહેતી હોય છે.

કમોસમી વરસાદની વાત કરીએ તો માર્ચ મહિના માટે અંબાલાલે વાત કરી કે ૭, ૮ અને ૯ માર્ચ ત્યારબાદ ૧૧થી ૧૪ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. વધતી જતી ગરમીના કારણે અરબ સાગરમાંથી ભેજ વધારે આવશે. જેના કારણે ગુજરાત સુધી ગરમ અને ઠંડા પવનો ભટકાઇ જતાં કરા અને કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે. એપ્રિલ મહિનામાં હવામાનમાં બેથી ત્રણ પલટા આવવાની શક્યતા રહેશે. એપ્રિલની શરૂઆત અને ૧૪ એપ્રિલ આસપાસ પલટો આવવાની શક્યતા રહેશે. આ એપ્રિલમાં કરાની સાથે-સાથે પવન વધારે રહેશે. માર્ચ મહિનાની ચોથી તારીખથી ગરમી પડશે. આ ગરમીના કારણે દરિયામાંથી આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઠંડી-ગરમી એમ બેવડી ઋતુ રહેશે. બે દિવસ બાદ તાપમાન વધતા ગરમીની અનુભવ થવાની શક્યતા છે. પરંતુ માંડ ઠંડી જશે, ત્યાં વરસાદની આગાહી છે. દેશમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે.