વડાપ્રધાને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું મિશન વેક્સિનઃ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝાયડ્‌સ પ્લાન્ટની મુલાકાત લીધી

કોરોનાએ રાજ્યમાં ઊથલો માર્યો છે. દેશમાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે ત્યારે ઝાયડ્‌સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કા પરીક્ષણ ચાલી રહ્યું છે. એની કામગીરી જાેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં કંપનીના ચેરમેન પંકજ પટેલે વડાપ્રધાનને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની માહિતી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

મોદીએ ઝાયડ્‌સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનના પરીક્ષણની કામગીરીને જાેવા માટે પ્લાન્ટમાં જઈને PPE કિટ પહેરી હતી. અહીં તેમની સાથે ઝાયડ્‌સ કંપનીના પંકજ પટેલે પરીક્ષણ કામગીરીની તમામ માહિતી વડાપ્રધાનને આપી હતી. સવારે પોણાદસ વાગ્યાથી સવા કલાક સુધી પ્લાન્ટમાં રોકાયા હતા. અહીં તેમણે ઝાયકોવિડ વેક્સિનના પરીક્ષણની કામગીરીને જાેઈ હતી.

પ્લાન્ટમાં PPE કિટ પહેરીને પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કંપનીના ચેરમેન ઈશારા કરીને કાચ પાછળ થઈ રહેલી કોરોના રસીના પરીક્ષણની તમામ વિગતો આપી રહ્યા હતા. અત્યાધુનિક યંત્રો સાથે થતાં પરીક્ષણની બારીકાઈથી માહિતી આપી હતી અને વડાપ્રધાને જાત નિરીક્ષણ કર્યું હતું. અહીં આવેલાં તમામ બાયોરિએક્ટર અને પરીક્ષણ સેન્ટર ખાતે તેમને રસીનાં પરીક્ષણને લગતી તમામ માહિતી પટેલ આપી રહ્યા હતા. પ્લાન્ટના અલગ-અલગ વિભાગમાં વડાપ્રધાનની સાથે રહીને ઝાયડ્‌સના ચેરમેને વિગતવાર પરીક્ષણના અનુસંધાને માહિતી આપી હતી.
વડાપ્રધાન મોદી ઝાયડ્‌સની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ-૨નાં પરિણામો પર ચર્ચા કરી હતી.

ઝાયડ્‌સની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરૂ થયું હતું અને નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું. મળતી વિગતો મુજબ, વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ-૩ની શરૂઆત અંગે પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની પણ વાત કરી હતી.
ઝાયડ્‌સ બાયોટેક પાર્કની મુલાકાત બાદ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, ઝાયડ્‌સ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે.