હવે ગાંધીનગરની હરિયાળી માટે ૨૨ લાખ વૃક્ષ વાવવામાં આવશે

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, ૪૦-૭૦% સાથે કેનોપી ડેન્સિટી (ગાઢ લીલું આવરણ) માત્ર ૧૦-૪૦% વૃક્ષોની ગીચતા ધરાવતો ખુલ્લો વિસ્તાર બની ગયો છે. લીલું ગાંધીનગર હવે એટલું લીલું નથી રહ્યું જેટલું પહેલાં હતું. આની પાછળનું સૌથી મોટું કારણ વિકાસને માનવામાં આવે છે.

ગાંધીનગરમાં છેલ્લા દસકામાં નવા-નવા પ્રોજેક્ટ બન્યા, એમાં ગિફ્ટસિટી, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ફ્લાય ઓવર્સ, આઇકોનિક રેલવે સ્ટેશન… આ બધા પ્રોજેક્ટ્‌સને કારણે વૃક્ષો ટૂંકા કરવા પડ્યાં અથવા તો તદ્દન કાપી નાખવા પડ્યાં. ગાંધીનગરમાં હવે તો ૩૦ ટકા વૃક્ષો ઓછાં પણ થઈ ગયાં છે. ૨૦૦૩માં સામાજિક વનીકરણ વિભાગના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ગાંધીનગરમાં દર ૧૦૦ વ્યક્તિએ ૪૧૬ વૃક્ષ એ સમયે હતાં. પછી ૨૦૧૫માં ૧૦૦ વ્યક્તિએ ૪૫૬ વૃક્ષો થયાં અને ફરી ઘટીને ૧૦૦ વ્યક્તિએ ૪૧૨ વૃક્ષ થઈ ગયાં છે, એટલે ૨૦૧૫ પછી જે વૃક્ષો વધ્યાં હતાં, ગીચતા વધી હતી એ ઘટી ગઈ. ૨૦૦૫ પછી ગાંધીનગરમાં વિકાસકાર્યો શરૂ થયાં. ૨૦૨૦ સુધીમાં તો ગાંધીનગર એવું થઈ ગયું કે આકાશમાંથી મકાનના ધાબા, ગલીઓ, રસ્તા દેખાવા લાગ્યાં, જે ૨૦૧૫ પહેલાં નહોતાં દેખાતાં. ત્યારે વિમાનમાંથી ગાઢ વૃક્ષો જ વધારે દેખાતાં હતાં. વરિષ્ઠ વન અત્યારસુધીમાં વિકાસ થયો અને એને કારણે વૃક્ષો કાપી નાખવા પડ્યા એ પર્યાવરણને મોટામાં મોટું નુકસાન છે અને આ નુકસાન હવે ભરપાઈ કરવામાં આવશે.

હરિયાળું ગાંધીનગર મિશન હેઠળ, ગીર ફાઉન્ડેશનના સહકારથી ૪૨૮ હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. પુનિત વનની આસપાસના વિસ્તારો, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અને જીઆઈડીસી એસ્ટેટની અંદર ૭૫ હેક્ટરમાં વૃક્ષારોપણ કરાશે. શહેરનાં વિવિધ ક્ષેત્રોમાં બ્લોક પ્લાન્ટેશન અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ૭૪૮ હેક્ટરમાં વાવેતર જોવા મળશે. આગામી દિવસોમાં ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ૨૨ લાખ વૃક્ષો આગામી સમયમાં વવાશે પણ ક્યારે કામ શરૂ થશે અને ક્યારે પૂરું થશે એની સ્પષ્ટતા કરાઈ નથી.

અમદાવાદીઓએ ભરઉનાળે થોડીક પણ ઠંડક જોઈતી હોય તો ગાંધીનગર જતા રહેવાનું. ત્યાં એટલાં બધાં વૃક્ષો છે કે ચારેક ડીગ્રી ગરમી ઓછી થઈ જાય. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થાય છે, પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો એ ચોંકાવનારો છે. આ રિપાર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યો છે. એમાં એવી લાલ લાઇટ બતાવાઈ છે કે ગાંધીનગરનાં વૃક્ષો હવે ઘટાદાર રહ્યાં નથી. આમ પણ છેલ્લાં સાત વર્ષમાં ૩૦ ટકા વૃક્ષો ઓછાં થઈ ગયાં છે. આ રિપોર્ટ પછી ગુજરાતના વનતંત્રે એવું નક્કી કર્યું છે કે ગાંધીનગરની ઘટી ગયેલી વૃક્ષોની ગીચતા પાછી મેળવવા ૨૨ લાખ વૃક્ષ વાવવામાં આવશે.