બીદડા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વ્યય થયો

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં ગાબડા એ કચ્છીઓના જીવ કપાઈ જવા સમાન છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ગઈકાલે જ પશ્ચિમ કચ્છ નર્મદા મુખ્ય નહેરની ટેસ્ટીગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત મોડકુંબા સુધી પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ આજે ગુરૂવારે માંડવીના બીદડા પાસે ગાબડા પડી જતા લાખો લીટર પાણી વહી ગયું હતું. આ તમામ પાણી ગાબડાના પગલે આગળ ગયેલું પાણી પાછું પડેલું જોવા મળ્યું હતું.કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ હવે માંડવીના મોડકુંબા સુધી બની જતા વિભાગ દ્વારા તેના ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવ્યું હતું.

કેનાલમાં નર્મદાના પાણીના આગમન સાથે સ્થાનિક લોકોમાં પણ આનંદની ઊર્મિઓ આવી હતી અને ઠેર ઠેર વધામણી પણ કરવામાં આવી હતી. પરંતુ માંડવીના બીદડા પાસે એકાએક મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડી જવા પામ્યું છે, જેના કારણે લાખો લીટર પાણી આસપાસના વિસ્તારમાં વહી જતા વ્યાપકપણે નર્મદાના પાણીનો વ્યય થઈ રહ્યો છે. જિલ્લામાં અનેક સ્થળે નર્મદા નહેરમાં બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા રહ્યા છે અને અનેક સ્થળે ગાબડા પણ પડી ચુક્યા છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વક કાર્યની સમીક્ષા કરાય એવી માગ ઉઠી છે.