દીપડાઓની વસ્તી ગુજરાતમાં ૨૨૭૪ પર પહોંચી, છેલ્લા ૬ વર્ષમાં ૬૩ ટકાનો વધારો

૨૦૧૬માં કરાયેલા સર્વેમાં દીપડાની સંખ્યા ૧,૩૯૫ હતી જે ૨૦૨૩માં વધીને ૨૨૭૪ પર પહોંચી

અમદાવાદઃ ગુજરાતનાં દીપડાની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ સંખ્યા માનવ વસતીવાળા વિસ્તારોમાં ચિંતા ઉભી કરી રહી છે. વનવિભાગે તાજેતરમાં કરેલા સર્વે મુજબ રાજ્યમાં દીપડાની વસતી વધીને ૨,૨૭૪ પર પહોંચી છે.

વનવિભાગ દર ચાર વર્ષે દીપડાની વસતીની ગણતરી હાથ ધરે છે. જે અંતર્ગત હાથ ધરાયેલા સર્વેનાં સામે આવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં રાજ્યમાં દિપડાની વસતીમાં ૬૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૬માં કરાયેલા સર્વેમાં દીપડાની સંખ્યા ૧,૩૯૫ જોવા મળી હતી. જે ૨૦૨૩નાં વધીને ૨૨૭૪ પર પહોંચી છે. જૂનાગઢ. સુરત. ગીર, સોમનાથ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લામાં દીપડાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. જ્યારે ભરૂચ અને અમદાવાદ જેવા વિસ્તાર જ્યાં માનવીય રહેઠાણો છે, ત્યાં દીપડો જોવા મળ્યો છે.

ગીચ વસતીમાં દીપડાની હાજરી ચેતવણીરૂપ છે. રાજ્યમાં દીપડાની સૌથી વધુ વસ્ત જૂનાગઢમાં ૫૭૮ છે, જે ૨૦૧૬માં ૭૭૪ હતી. જ્યારે ગીરમાં ૨૦૧૬માં ૧૧૧ની સંખ્યા વધીને ૨૫૭ પર આંકડો પહોંચ્યો છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને સુરતમાં સરેરાશ ૨૦ ટકા વધારો જોવા મળ્યો. બોટાદ સિવાય મોટાભાગના જિલ્લાઓમાં દીપડાની વસતી છે. સૌરાષ્ટ્રમાં ૨૦૧૬માં ૭૦૦ દીપડા હતા, જે આંકડો વધીને ૧,૩૯૫એ પહોંચ્યો છે. તેમાંથી લગભગ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ૪૬૫ દીપડા હતા.

દિપડાની વસતી ગણતરી માટે અધિકારીઓની ટીમ બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં સામે આવ્યું કે રાજ્યમાં દીપડાઓની વસતીમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે. દીપડો એક સમયે દક્ષિણ એશિયા અને આફ્રિકામાં જોવા મળતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી દિપડાનું સ્થાન બદલાયું છે. ભારત, પાકિસ્તાન, મલેશિયા અને ચીનમાં પણ દીપડા જોવા મળે છે. ભારતમાં ૨૦૦૨માં દીપડાની વસતી અંદાજે ૧૦, ૦૦૦ હોવાનું અનુમાન છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા ૬ વર્ષમાં ૬૩ ટકાનો વધારો જોવા મળ્યો.