દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા, બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો NCBની રડારમાં

ગુજરાતમાંથી ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા

અમદાવાદઃ ડ્રગ્સકાંડમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો NCBની રડારમાં છે, સાથે જ ગુજરાતમાંથી ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા છે. અગાઉ NCB દ્વારા કસ્ટમસ ડેપોમાંથી નશીલા પદાર્થોનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યુ હતુ. NCBએ એગોનિસ્ત ફાર્મ કંપનીના ડાયરેકટરની પણ ધરપકડ કરી હતી. અમદાવાદના કેરાલા GIDCમાં એગોનિસ્ટ ફાર્મા કંપની આવેલી છે. હવે કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા અમદાવાદના બાવળાની કંપની દ્વારા ખરેખર દવા મોકલી છે કે નશીલા પદાર્થની નિકાસ કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

NCBની તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. કંપની દ્વારા અગાઉ ૧૩ દેશોમાં ૫૦થી વધુ કન્ટેનર મોકલાયા હતા. બીજી તરફ બાવળાની કેરાલા જીઆઈડીસીમાં આવેલી એગોનિસ્ટ ફાર્મા કંપની દ્વારા ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાવાતું હોવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે બાવળાની દવાની કંપનીઓ પર કામ ચાલુ છે. દવાની આડમાં ડ્રગ્સનો પદાર્થ વેચવામાં આવે તેની સામે કાર્યવાહી માટે જોગવાઈ છે. જેથી આઇપીસી સહિતની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવશે.