બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે. દેશના ફાયર વિભાગે આ જાણકારી આપી છે. રિયો ડી જેનેરોના ફાયર વિભાગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘હાલના કલાકોમાં ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.’ બચાવ ટુકડીઓ પેટ્રોપોલિસ વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારમાં પીડિતોની શોધ કરી રહી હોવાથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે.

૨૦૧૧માં ભારે વરસાદને કારણે આ પ્રદેશમાં સેંકડો લોકોના મોત થયા હતા. રિયો રાજ્યના અગ્નિશમન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૮૦ સૈન્ય કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. વિભાગે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દિવસના ત્રણ કલાકમાં ૨૫.૮ સેમી વરસાદ નોંધાયો હતો, જે અગાઉના ૩૦ દિવસમાં પડેલા વરસાદની બરાબર છે. રશિયાની મુલાકાતે આવેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ટ્‌વીટ કર્યું કે, તેમણે તેમના મંત્રીઓને વરસાદથી પ્રભાવિત લોકોને તાત્કાલિક મદદ કરવા સૂચના આપી છે.

સિટી હોલે ‘આપત્તિ’ જાહેર કરી છે. પૂરના કારણે નુકસાન પામેલા મકાનો અને કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઐતિહાસિક શહેરની શેરીઓ પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. દુકાનો ખરાબ રીતે ડૂબી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદ થયો છે અને કેટલાક કલાકો સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. આ મહિનાની શરૂઆતમાં, મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂર અને ભૂસ્ખલનથી દેશના દક્ષિણપૂર્વીય ભાગમાં ઓછામાં ઓછા ૨૮ લોકો માર્યા ગયા, મોટાભાગે સો પાઉલો રાજ્ય અને રિયોના ઉત્તરીય પ્રદેશમાં. તે જ સમયે, જાન્યુઆરી ૨૦૧૧માં, રિયોના પર્વતીય ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ૯૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. આના કારણે પેટ્રોપોલિસ અને નોવા ફ્રિબર્ગો અને ટેરેસોપોલિસના પડોશી શહેરો સહિત મોટા વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલન થયું.