કચ્છમાં સૌથી વધુ સિઝનનો ૧૩૬ ટકા, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી

ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જો કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં ૭૯ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ આ સિઝનમાં ૧૩૬ ટકા વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકા વરસાદ ખાબકયો છે. મહત્વનું છે કે રાજ્યમાં ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

ગુજરાતમાં ભારે વરસાદથી છેલ્લા એક સપ્તાહમાં ૨૮ નાં મોત

ગુજરાતમાં આ વર્ષે વરસાદી સિઝનમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જે નુકસાનીના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આ સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં ૨૮ લોકોનાં મોત થયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદ અસરગ્રસ્ત રહ્યા છે, આ સાથે જ આ સિઝનમાં પુર-વાવાઝોડા સહિતની કુદરતી આફ્તના કારણે ગુજરાતમાં કુલ ૧૫૮ લોકોનાં મોત થયા છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે. ગુજરાતમાં આ વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે ૧૫૮ લોકોનાં મોત થયા છે તેમાં કુલ ૧૦ જિલ્લાઓ અસરગ્રસ્ત છે. ૫૮ વ્યક્તિના પુરમાં તણાઈ જવાના કારણે મોત નોંધાયા છે, વીજળી પડવાના કારણે ૪૧ અને જુદા જુદા કારણસર ૫૯ લોકોના મોત થયાં છે. બે વ્યક્તિ ગુમ થઈ છે, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી જ્યારે કુલ ૨૨૧ વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે.