મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ

ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે  એમઓયૂ સંપન્ન થયા.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતને ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ’ બનાવવાના ઇરાદા સાથે શરૂ કરેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે, ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયૂ કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકારના પ્રો-એક્ટીવ અભિગમ સાથે 4 કંપનીઓ સાથે એમઓયૂ થવાથી નવી 2285 રોજગારીનું સર્જન થશે.

આ એમઓયૂ પર હસ્તાક્ષર પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એ.સી.એસ ઉદ્યોગ અને ખાણ વિભાગ એસ.જે.હૈદર, જીઆઇડીસીના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્‍ડેક્ષ બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.