વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાયઃ શ્રી આચાર્ય દેવવ્રતજી

દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાયને વધુ ઉપયોગી અને મૂલ્યવાન બનાવવા તેની નસલ સુધારણા માટે પ્રયોગો અને પ્રયત્નો કરવા પડશે. વાછરડાને બદલે વાછરડી જન્મે એ માટે સેક્સ સૉર્ટેડ સીમેન ટેકનોલોજી અપનાવવી પડશે અને દેશી ગાય અનિવાર્ય હોવાથી વધુને વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી પડશે. દ્વારકામાં અતિ આધુનિક શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દાનવીરો અને ગૌ સેવકોને આ ઉમદા સેવા કાર્ય માટે અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું હતું કે, ગુજરાત ધર્માત્મા અને ભલા લોકોની ભૂમિ છે, એટલે અહીં ઠેર ઠેર ગૌશાળા અને પાંજરાપોળ છે, જ્યાં ગૌસેવકો-યુવાનો પોતાના વડીલોની, મા-બાપની સેવા કરતા હોય એવા ભાવથી પશુઓની સેવા કરે છે. ગાયોની સારવાર માટે હાઇડ્રોલિક લિફ્ટિંગ સાધનો, એમ્બ્યુલન્સ અને એરકન્ડિશન્ડ શેડની સુવિધા ધરાવતી અતિ આધુનિક દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, અંગ ભંગ થયેલી, વૃદ્ધ અને અશક્ત ગાયોને ગૌશાળા-પાંજરાપોળમાં રાખીએ સાથોસાથ ગાયો વિશેષ લાભકારી બને એ માટે તેની નસલ સુધારવા પ્રયત્નો પણ કરીએ. જેમ મા-બાપને પણ કમાઉ દીકરો વધારે ગમે તેમ ગાય પણ વધારે દૂધ આપતી થશે તો તેનું મૂલ્ય ચોક્કસ વધશે. દરેક પાંજરાપોળમાં એક શાખા એવી હોય જ્યાં ગાયની બ્રીડ સુધારવા પ્રયત્નો અને પ્રયોગો થતા હોય.

આજકાલ ખેતી ટ્રેક્ટર આધારિત થઈ ગઈ છે, બળદોનો ઉપયોગ રહ્યો નથી એટલે તે બિનવારસી ફરે છે. પાંજરાપોળ-ગૌશાળામાં પણ બળદોની સંખ્યા વધુ હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા પશુપાલકોએ એમ્બ્રિયો કલ્ચર અને સેક્સ સૉર્ટેડ સીમેન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ટેકનોલોજીના ઉપયોગથી વાછરડીનો જન્મદર વધશે. વાછરડીયો વધુ જન્મશે, એટલું જ નહીં એની નસલ પણ વધુ ઉન્નત થશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી પ્રાકૃતિક ખેતીનું મહા અભ્યાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર પોણા બે લાખ ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે રૂપિયા ૯૦૦ ની સહાય આપે છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે, એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે તો એક પણ ગાય સડકો પર નહીં દેખાય. ગુજરાતમાં ડાંગ જિલ્લો સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો થયો છે, ત્યાં ડાંગી ગાયનું મૂલ્ય બમણું થઈ ગયું છે.

જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવશે તેમને ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓમાંથી નિશુલ્ક ગાય આપવાનું પણ આયોજન થઈ રહ્યું છે, એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.

જન્મદાત્રી મા તો આપણને જન્મ પછી એક-દોઢ વર્ષ દૂધ પીવડાવે છે, પણ ગૌમાતા તો આપણે જીવીએ ત્યાં સુધી અમૃતતૂલ્ય દૂધ આપે છે. એટલું જ નહીં, અમૂલ્ય ગૌમૂત્ર અને ગોબર પણ આપે છે. માઈક્રોબાયોલોજીના નિષ્ણાતો ગૌમૂત્ર અને ગોબર પર સંશોધનો કરી રહ્યા છે. ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી કરાતી પ્રાકૃતિક ખેતીથી ખેડૂતનો ખર્ચ ઘટશે, ઉત્પાદન વધશે, આવક વધશે અને જમીનની ફળદ્રુપતા પણ વધશે. અનાજ, પાણી અને પર્યાવરણ સુધરશે. આ રીતે ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન પણ થશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળાના સંચાલકો-દાતાઓ અને ગૌ સેવકોને અભિનંદન આપ્યા હતા.

આ તકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર આજે ગૌ-ધન માટે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવેલ છે. દ્વારકાની પાવન ભૂમિ પર દરેક કાર્ય ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી થાય છે ત્યારે ગાય માતાતો શ્રીકૃષ્ણને  પણ બહુ પ્રિય છે. આપણા પ્રાચીન ઋષિઓ એ કહ્યું હતું કે, જ્યાં સુધી ગાય માતા છે ત્યાં સુધી પ્રકૃતિ છે. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જ્યારે રસ્તાઓ પર ગાય માતાનો અકસ્માત થાય કે બીમાર હોય તો તેને તરત આ ગૌ હોસ્પિટલ ખાતે લાવી ઉત્તમ સારવાર આપવામાં આવશે. મારી તમામ ગૌ ભક્તોને અપીલ છે કે, ગૌ-ધનના રક્ષણ માટે આગળ આવે તથા યથાયોગ્ય મદદ કરે.  દરેક વ્યક્તિએ મજબૂત સંકલ્પ કરી ગૌધનના રક્ષણ માટે સજાગ થવું જોઈએ.

જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે ભૂતકાળમાં જોઈએ તો જેમની પાસે ગૌધન વધુ હતું તે વ્યક્તિની ગણના ધનિક વ્યક્તિમાં થતી હતી. ટેકનોલોજીના યુગમાં ગૌધન વિસરાતું ગયું હતું. પરંતુ આજની યુવા પેઢી ગૌધનનાં રક્ષણ માટે તત્પર છે. સ્વાસ્થ્ય, શુદ્ધતા અને સાત્વિકતા માટે ગૌધન ઘણું જ ઉપયોગી છે. આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે, ગૌમાતાના ઉછેરમાં યોગદાન આપીશું.

આ તકે અશ્વિન ગુરુજીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય માતાનું અનેરું સ્થાન છે. ભારતીય સંસ્કૃતિ એ ગૌ-ગંગા પર આધારિત સંસ્કૃતિ છે. ગાય માતા પોતે ઘાસ ખાઈને દૂધ રૂપી અમૃત આપણે સૌને પ્રદાન કરે છે. તો આપણું પણ પરમ કર્તવ્ય છે કે, આપણે સૌએ ગાય માતાનું રક્ષણ તથા સંવર્ધન કરવું જોઈએ અને યથાયોગ્ય સેવા કરવી જોઈએ.

આ તકે દ્વારકા નગરપાલીકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી, દ્વારકા પાર્થ તલસાણીયા, મામલતદાર વી.આર.વરુ, ગૌ ક્રાંતિના પ્રણેતા જગદીશ ગોપાલજી, ગૌ સેવક બચુભાઈ સહિત બહોળી સંખ્યામાં ગૌ- સેવકો, ખેડૂતો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટમાં ઉપલબ્ધ સુવિધાઓઃ-

? હાઈફ્રિકવન્સી મેટલ ડિટેક્ટર દ્વારા ગૌવંશના શરીરમાં રહેલી નાનામાં નાની મેટલની વસ્તુ પણ ડિટેક્ટ કરી શકાશે

? ડિજિટલ એક્ષરે મશીન દ્વારા ગાયના ફ્રેકચર તથા અન્ય રોગોનું સચોટ નિદાન

? નિષ્ણાંત ડોકટરો દ્વારા ગૌવંશના દરેક પ્રકારના ઓપરેશનની વ્યવસ્થા

? ૨૪ કલાક ડોકટર સહિતની ટીમની હાજરી.

? ડોકટર તથા ગોવાળને રહેવાની ઉત્તમ સુવિધા.

? ગૌ હોસ્પિટલ સંકુલ સી.સી.ટી.વી. કેમેરાથી સજજ.

? ગૌ હોસ્પિટલમાં તમામ સારવાર નિઃશુલ્ક થશે.

દિવ્ય આકર્ષણો-

વલ્લભાચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત ૮૪ બેઠકોના દર્શન

ગૌ પરિક્રમા માર્ગ

ગૌ દર્શન અને પૂજન માટે ગૌ પૂજા મંડપ

સત્સંગ મંડપ

 

વેદોક્ત સૂત્રો તથા ગાય અને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચિત્રોથી સુશોભિત દીવાલો તેમજ ગૌ હોસ્પિટલની દીવાલો પર ગૌ માતાના પવિત્ર ગોબરથી લીંપણ કરવામાં આવ્યું છે.

તુલાદાનની વ્યવસ્થા તથા આધ્યાત્મિક ભજનો અને સ્ત્રોત માટે ઓડિયો સિસ્ટમ.