સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીને નદીમાં ઠલવાતા પ્રદુષણને અટકાવવા માટે ઠોસ રોડમેપ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટોની સુનાવણીમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ વૈભવી નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આકરૂં વલણ અપનાવ્યું હતું. કોર્ટે આ મુદ્દે કોર્પોરેશનને કહ્યું હતું કે, તમારા વર્તમાન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) ક્ષમતા મુજબ કામ કરી રહ્યાં નથી. આવી રીતે કામ કરશો તો પ્રદૂષણ કેમ અટકશે? સાબરમતીમાં પ્રદૂષણ અટકાવવા કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા કેમ નક્કર પગલાં લેવાતા નથી. આ કામ કરવા માટે કોર્પોરેશન એકલું જ સક્ષમ છે. જ્યારે કોર્ટ સમયાંતરે સુનાવણીમાં કોર્પોરેશનને પ્રશ્ન કરે ત્યારે તેઓ જે-તે મુદ્દા પર એફિડેવિટ ફાઈલ કરે છે. જેથી સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોર્ટ સમક્ષ સ્પષ્ટ જવાબ આપવા સાથે રોડમેપ અને ટાઇમલાઈન રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે વધુમાં કહ્યું હતુ કે કોર્ટ તમારી સમસ્યા સાંભળવા બેઠી નથી. તમે ફક્ત સમસ્યાઓ વર્ણવો છો. આ એફિડેવિટ નક્કર હોવી જોઈએ. જેમાં નદીના પ્રદુષણને અટકાવવા માટેના લાંબાગાળાના અને ટૂંકા ગાળાના પગલાં તેમજ સમયબદ્ધ નિરાકરણોનો ઉલ્લેખ હોવો જોઈએ. તમે કાપેલા ગેરકાયદેસર જોડાણો ફરી જોડાઈ જાય છે તો તમે નક્કર પગલાં કેમ નથી લેવાતા. આવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.

આ મુદ્દે હાઈકોર્ટે જીપીસીબીને પણ લાંબાગાળાના આયોજન અને સમસ્યાનું કાયમી સમાધાન શું હોઈ શકે તે અંગે સોગંદનામું કરવાનો આદેશ આપ્યો હતો. જીપીસીબીને ટકોર કરતા હાઈકોર્ટે કહ્યું કે તમે ત્રણ, પાંચ મહિના પહેલા એકમોને નોટિસ પાઠવો છો, પણ ત્યારબાદ આ એકમો સામે શું કાર્યવાહી કરી તે દર્શાવતા નથી. શું તમને તમારી સત્તા અને ફરજની જાણકારી છે? તેમ જણાવી નક્કર આયોજન શું છે તે કોર્ટ સમક્ષ રજૂ કરો તેમ જણાવ્યું હતુ.