Gujarat Weather: ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે

અમદાવાદ: આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી એટલે ૨૦ તારીખથી ૨૬મી તારીખ સુધી વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.

હવામાન શાસ્ત્રીના અનુસાર, ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોને મોટી અસર થશે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે. તો એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે.  સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ૨૪થી ૨૬ તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયો વરસાદ હશે. રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં ૨ ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન ૩૫ ડિગ્રી આસપાસ અને રાત્રે ૨૦ ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.