પાટણ પાલિકાની સ્વચ્છતા શાખાની કરોડોની ગ્રાન્ટ પાછી જતી રહી

પાટણ નગરપાલિકાના સ્વચ્છતા ચેરમેને સ્વચ્છતા શાખાને સરકારે ફાળવેલી બે અલગ અલગ ગ્રાન્ટો પૂર્વ ચીફ ઓફિસરની કહેવાતી અનિર્ણાયકતા અને અણઆવડતના કારણે ઉપયોગ થયા વગર પછી જતી રહી હોવાનો દાવો કર્યો છે. જેના કારણે પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી સ્વચ્છતા શાખાની બેઠકમાં રજૂ થનારા બજેટ પર તેની અસર જોવા મળી હતી અને આ બજેટ મંજૂર થઈ શક્યું નહોતું. સ્વચ્છતા શાખાની રૂ. ૨.૪૨ કરોડની ગ્રાન્ટ સરકારમાં પાછી ગઈ હોવાથી હવે આ ગ્રાન્ટો પાછી મેળવવા માટે નવેસરથી કાર્યવાહી કરાશે, પરંતુ આ પ્રક્રિયા પૂરી કરતાં ૬ માસનો સમય વીતી જવાની શક્યતા રહેલી છે.

પાટણ નગરપાલિકા ખાતે ચેરમેન ગોપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલી સ્વચ્છતા શાખાની બેઠકમાં એજન્ડા પરના કામો પૈકી શાખાનું ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરવાનો મુદો હતો. જેની ચર્ચા દરમિયાન શાખાના કામો માટે સરકારમાંથી મળેલી રૂ. ૨.૪૨ કરોડની ગ્રાન્ટ પાછી ગયાનો મુદ્દો ચર્ચાયો હતો. આ ગ્રાન્ટમાંથી શાખાની કામગીરી માટે ટ્રેક્ટરો અને સાધનોની ખરીદી કરવાની હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ જેની ગાંધીનગર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપવામાં આવેલી રૂ. ૩ કરોડ ૨૯ લાખ ૩૮ હજાર ૮૮૫ની ગ્રાન્ટ કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આપવામાં આવી હતી. જેની બચત રકમ રૂ. ૨ કરોડ ૩૬ લાખ ૩૩ હજાર ૮૯૧ની ગ્રાન્ટ તથા આ મિશન અંતર્ગત જ મળેલી રૂ. ૨૯ લાખ ૭૭ હજાર ૮૪૯ની ગ્રાન્ટ કે જે આઈ.ઈ.સી. એક્ટિવિટી માટે મળેલી હતી. તેની બચત ગ્રાન્ટની રકમ રૂ. ૬ લાખ ૫૨ હજાર ૧૩૭ની ગ્રાન્ટને સરકારના ખાતામા પાછી જમા લઈ લેવામાં આવી છે. જેનું કારણ અગાઉના ચીફ ઓફિસરની અણઆવડત હોવાનો ચેરમેન ગોપાલસિંહ રાજપૂતનો દાવો છે. બેઠકમાં પાટણ નગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની મળેલી ગ્રાન્ટમાંથી ૨૭ જેટલી હાથ લારીઓ રૂ. ૪.૫૦ લાખનાં ખર્ચે ખરીદવા માટે મંગાવેલા ભાવોનાં આવેલા ૩ ટેન્ડરો ખોલીને તે અંગે એજન્સી નક્કી કરવામાં આવી હતી.

આ ઉપરાંત પાટણ નગરપાલિકામાં વર્ષ ૨૦૦૩થી રૂ. ૧૦૦નો સફાઈ વેરો રહેણાંક અને બિન રહેણાંક માટે લેવામાં આવે છે. જે સફાઈ વેરો ઘણા વર્ષથી લેવાતો હોવાથી તેમજ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધતો હોવાથી અને સફાઈની કામગીરીને ધ્યાને લેતાં રહેણાંક વિસ્તારમાં રૂ. ૩૦૦ અને બિન રહેણાંક વિસ્તારમાં રૂ. ૫૦૦નાં વધારા સાથે સફાઈ વેરામાં વધારો કરવાનો પ્રસ્તાવ કરાયો હતો. જે અંગે ચર્ચા કરાયા બાદ આ વેરાઓ પૈકી રહેણાંક વેરામાં રૂ. ૧૦૦ના બદલે રૂ. ૨૦૦ અને કોર્મશિયલમાં સફાઈ વેરાની રકમ રૂ. ૩૦૦ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો. જો કે, આ સૂચિત વધારો આગામી કારોબારી અને બાદમાં સામાન્ય સભામાં ચર્ચા કર્યા બાદ આખરી મંજૂરી મળશે.

પાટણ નગરપાલિકામાં હદ વિસ્તારમાં ઉભા રહેતા લારીગલ્લા માટે સફાઈ વહિવટી ચાર્જ માસિક રૂ. ૨૦૦ લેવાનો પ્રસ્તાવ મુકાયો હતો જે ચર્ચા કરીને રૂ. ૨૦૦ કરાયો હતો. આ બેઠકમાં તાજેતરમાં નગરપાલિકામાં નવા નિયુક્ત કરાયેલા એપ્રેન્ટિસ સેનેટરી ઈન્સ્પેકટરોને તેમની ફરજો અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ તેઓને રાત્રિનાં સમયે શહેરમાં થતી સફાઈનું નિરીક્ષણ કરવાની અને લારી ગલ્લાઓને રોડ પર ન ઉભા રહે કે, તેઓ ગંદકી ન કરે તે માટેની તકેદારી રાખવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ચેરમેન ગોપાલસિંહ રાજપૂત, જયેશભાઈ પટેલ, અધિકારીઓ પ્રકાશભાઈ રાવલ અને જયેશભાઈ પંડ્યા તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.