જીપીસીબીએ જેતપુરમાં વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડ્યું, પ્રદૂષણ ફેલાવનારાઓમાં ફફડાટ

જેતપુરઃ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ટેન્કર મારફતે સગવેગે કરતા પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીએ લાંલ આંખ કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. જીપીસીબી દ્વારા જેતપુરના પાંચપીપડા ગામમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડી સપાટો બોલાવી દીધો છે.

વિગતો પ્રમાણે જેતપુરના પાંચપીપડા ગામમાં મોડી રાત્રીના સમયે ભાદર નદીમાં ગેરકાયદેસર રીતે ટેન્કર મારફતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે પાંચપીપડા ગ્રામજનોએ જીપીસીબીના પ્રાદેશિક કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી કે. બી. વાઘેલાને ફોન કરી જાણ કરી હતી. જાણ થતાં જ જીપીસીબીની ટીમના અધિકારીઓ સદર જગ્યાએ ગ્રામજનો દ્વારા પકડી પાડવામાં આવેલા ટેન્કર પાસે તાત્કાલિક પહોંચી ગયા હતા. જે બાદ ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાંથી કેમિકલવાળું ગંદુ પાણી હોવાનું જણાઇ આવ્યું હતુ. ત્યારબાદ, જીપીસીબીના અધિકારીઓ દ્વારા ઝડપાયેલા ટેન્કરમાંથી ગંદા પાણીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે.  

જીપીસીબી દ્વારા હાલ આ ટેન્કરને પોલીસ કસ્ટડીમાં લઇ એફઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા ટેન્કરમાંથી એક ચલણ પણ મળી આવ્યું છે, જેના પરથી આ પ્રદૂષિત પાણી જુનાગઢમાં આવેલી કોઇ ફેક્ટરીનું હોવાની માહિતી મળી રહી છે.

જીપીસીબીના અધિકારીઓ દ્વારા મોડી રાત્રી કાર્યવાહી કરાતા પર્યાવરણને નુક્શાન પહોંચડનારા પ્રદૂષણ માફિયાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.