સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ કામરેજમાં બે કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ

સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ સાથે બારડોલી, મહુવા, પલસાણા અને કામરેજમાં વરસાદ ખાબક્યો છે. કામરેજમાં બે કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ પડી ચૂડ્યો છે. જ્યારે સવારથી મહુવામાં ૩.૫ અને બારડોલીમાં ૪ ઈંચ, પલસાણામાં ૩.૫ અને ઉમરપાડામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સામરીયા મોરા, આર.ટી.ઓ નજીક સહિત અનેક વિસ્તારોમાં ઘૂટણસમાં ભરાયા છે. મામલતદાર કચેરીની સામે આવેલા વસાહતમાં લોકોના ઘરોમાં ૩ ફૂટ કરતા વધુ પાણી ભરાયું હતું. એમ.એન પાર્ક અને ભરવાડ વસાહત વરસાદના કારણે જનજીવન ઉપર તેની સીધી અસર દેખાઈ રહી છે.

સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, મહુવા, માંડવી, ઓલપાડ, પલસાણા તાલુકામાં સવારથી જ પવન સાથે વરસાદ શરૂ થયો છે. સુરત શહેરમાં હળવા વરસાદી ઝાપટા જાેવા મળી રહ્યા છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે ત્યારે સુરતમાં પણ મેઘ મહેર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

બારડોલીના ક્રિષ્ના નગરની બહાર આવેલ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ બાજુમાંથી પસાર થતા વીજ લાઈન પર પડતા ૩ જેટલા વીજ પોલ પણ તૂટ્યા હતા. જીવંત વિજતારો રસ્તા પર પડતા વાહનોની અવરજવર બંધ કરી દેવાયો છે. ઘટનાની જાણ થતા જી.ઇ.બીના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચીને વીજ પોલને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદના પગલે માર્ગ પરથી વાહનોની અવર જવર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી