મહેસાણાના કસલપુરમાં ગેસ લીકેજનો મામલો, ઓએનજીસી ટીમે લીકેજ પર કાબૂ મેળવ્યો

મહેસાણા તાલુકા નજીક આવેલા કસલપુર ગામની સીમમાં ૯ દિવસ અગાઉ ઓએનજીસી વેલ પર કામગીરી દરમિયાન ભેદી ધડાકા સાથે ગેસ લીક થયો હતો. જેથી અફરાતફરી મચી હતી. ગેસની અસર આસપાસના ગામડાઓમાં પ્રસરી હતી. જે મામલે કસલપુર ગામના લોકોના સ્વાસ્થ્ય પર અસર થતા આખો અને ગળામાં બળતરા થવાની ફરિયાદો ઉઠી હતી. જેથી લોકો ગામ છોડવા મજબૂર બન્યા હતા. ત્યારે ઘટનાના ૯ દિવસ બાદ સાંજે ઓએનજીસી ટીમે ગેસ લીક પર સંપૂર્ણ પણે કાબૂ મેળવ્યો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કસલપુર ગામની સીમમાં ૨૯ સપ્ટેમ્બરની રાત્રે એકાએક ભેદી ધડાકાની સાથે ગેસ લીકેજ થતા ભગદોડ મચી હતી. જેથી આસપાસના વિસ્તારના માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યાં હતા. ૯ દિવસ દરમિયાન જોટાણા, ઇજપુરા, કસલપુર ગામના લોકોની આખો અને ગળામાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યા સર્જાઈ હતી. મહેસાણા જિલ્લા આરોગની ટીમો ગામમાં દોડી આવી હતી અને સર્વે ચાલુ કરી મેડિકલ મદદ કરી હતી. જોકે, ૯માં દિવસે સાંજે સરપંચના જણાવ્યાં પ્રમાણે ગેસ લીકેજની દૂર્ઘટના પર ઓએનજીસીની ટીમોએ સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. હાલમાં ગામ લોકો પણ ભયમુક્ત બન્યાં છે અને જે લોકો ગામ છોડી અન્ય સ્થળે ગયા હતા એ લોકો પણ પોતાના ગામમાં પરત આવી રહ્યા છે.