હાલોલમાં સાર્વજનિક હાઇસ્કુલ ખાતે વન્ય સંપત્તિ – વન્યજીવ અંગે માર્ગદર્શન અપાયું

હાલોલ તાલુકાના રામેશરા ગામે આવેલ પી.એમ.પરીખ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે વન્યજીવ સપ્તાહ ઉજવણી અંતર્ગત શાળાના બાળકોને વન્ય સંપત્તિ અને વન્યજીવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ ર્નિમલ વન વિભાગના આરએફઓ અને એસીએફ એસ.એસ.બારીઆ, શિવરાજપૂર રેન્જના આરએફઓ પુવાર સહિતના અનેક વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દર વર્ષે ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર દરમ્યાન ઉજવવામાં આવતા વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે વન્ય અધિકારીઓ દ્વારા લોક જાગૃતતા માટેના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. વિવિધ શાળાઓના બાળકોને માર્ગદર્શન આપી અને સ્પર્ધાત્મક હરીફાઈનું આયોજન કરી વન્ય જીવો અંહી સમજ આપવાના ભાગરૂપે રામેશરા ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ર્નિમલ રેન્જના એસીએફ બારીઆએ બાળકોને વન્ય જીવો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને વનયજીવોને સાચવવા અને તેને સાથે રાખીને જીવન જીવવા અંહી સમજ આપી હતી. વન્ય જીવો પણ આપણા સમાજનો એક હિસ્સો છે, વન્ય સંપતિઓનું જતન વન્ય જીવો માટે અતિ આવશ્યક છે.

એટલે જંગલો સુરક્ષિત રહેશે તો વન્ય જીવો પણ જંગલ માંજ રહેશે અને માનવ જીવનને પણ જંગલોથી ફાયદો જ હોવાનું જણાવ્યું. આ પ્રસંગે પંચમહાલ પંથકમાં વન્યજીવોના ઉથ્થાન અને પશુઓ પ્રાણીઓ તેમજ જાનવરો માટે કામ કરતી જીવ દયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગસ ફાઉન્ડેશનના રિપલ પટેલ અને વૈભવ પટેલ અને તેમની ટીમે ખાસ હાજરી આપી હતી.

શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને સ્ટાફને વન્ય જીવનથી માહિતગાર કરી વન્ય પ્રાણીઓ પશુઓ વિશે વિસ્તૃતિ માહિતી આપી તમામ વન્ય જીવો આપના મિત્રો જ છે, તેની સંભાળ રાખવાની પૂરતી સમજ આપી સૌને વન્યજીવન વિશે જાગૃત કર્યા હતા. વન્યજીવ તેમજ મનુષ્ય વચ્ચે થતા ઘર્ષણને કેવી રીતે અટકાવી શકાય તે અંગે પણ સમજણ આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.