ચંદ્રયાન-૩ ચંદ્રના તે વિસ્તાર વિશે માહિતી મોકલી જેના વિશે ઓછી જાણે છે દુનિયા

નવીદિલ્હીઃ લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ ૨૩ ઓગસ્ટે સાંજે ૬.૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવી અપેક્ષા છે. આ પહેલા પણ ચંદ્રયાન અનેક તસવીરો મોકલી ચૂક્યું છે. ચંદ્રયાન-૩ એ ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પોતાના કેમેરાથી આ તસવીર મોકલી છે. આ ચંદ્રની બીજી બાજુ છે, જેના વિશે લોકો ઓછા જાણે છે.

ભારતે આ જ વિસ્તારમાં પોતાનું યાન મોકલ્યું છે. ચંદ્ર પર ઘણા મોટા અને નાના ખાડાઓ દેખાય છે. કેટલાકનો વ્યાસ સેંકડો કિલોમીટર હોવાનું કહેવાય છે. તે આ વિસ્તારમાં પોતાના ઉતરવા માટે જગ્યા શોધી રહ્યું છે. ૨૩ ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવા જઈ રહ્યું છે. રશિયા રેસમાંથી બહાર થઈ ગયું છે અને ૨૩મીએ ભારત અવકાશની દુનિયામાં નવો ઈતિહાસ લખવાનું છે. ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં બનેલા ખાડાઓ લાખો વર્ષોથી અંધકારમાં છે. સૂર્યપ્રકાશ ત્યાં પહોંચ્યો નથી. તાપમાન માઈનસમાં હોઈ શકે છે. આ વિસ્તારમાં લેન્ડિંગ સરળ નથી. ચંદ્રના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર પૃથ્વીવાસીઓ માટે એક રહસ્ય છે. અહીં જમીનમાં દટાયેલું રહસ્ય છે. લેન્ડિંગ પછી આપણું વાહન ત્યાંથી જે માહિતી મોકલશે તેનાથી સૌરમંડળના જન્મ અને ચંદ્ર અને પૃથ્વીની ઉત્પત્તિના રહસ્યો જાણી શકાય છે. ચંદ્ર પર પાણી છે કે નહીં તે પણ જાણી શકાશે.