ઉત્તરાખંડ સહીત ૨૪ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પૂર્વ ઉત્તર પ્રદેશના ૪૩થી વધુ જિલ્લામાં ભારે વરસાદને જોતા એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ શુષ્ક હવામાનની સાથે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં વરસાદ ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં ગયા અઠવાડિયે આપત્તિજનક વરસાદ થયો હતો જેના કારણે ઘણા શહેરોમાં પાણી ભરાઈ જવાથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે આગામી બે દિવસ માટે હવામાનને લઈને પણ સાવચેતી રાખવી પડશે.

હવામાન વિભાગે ૪૫થી વધુ જિલ્લાઓમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. પ્રયાગરાજ, વારાણસી, ગાઝીપુર, આઝમગઢ, ગોરખપુર, ગોંડા, સીતાપુરથી લઈને પીલીભીત, બરેલી, બિજનૌર સુધી ખરાબ હવામાનની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં હાલ હવામાન શુષ્ક રહેશે. મતલબ કે ક્યારેક તડકો રહેશે તો ક્યારેક વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશાના ભાગો, ઝારખંડ, તમિલનાડુ, કેરળ અને દક્ષિણ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાનશાસ્ત્રીઓનું અનુમાન છે કે ૨-૩ દિવસ પછી રાજ્યમાં ચોમાસાના પવનનો વિસ્તાર ફરી વિકસશે. આ સાથે રાજ્યના ભોપાલ, ગ્વાલિયર, ચંબલ, રીવા, ઈન્દોર અને ઉજ્જૈનમાં ૨૨-૨૩ સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડના હવામાનની વાત કરીએ તો ફરી એકવાર હવામાન કેન્દ્રે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કોંકણ અને ગોવા, આંદામાન અને લક્ષદ્વીપ, તેલંગાણા અને આંતરિક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ૨૧મી સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સંભાવના છે.