ભારત બાસમતીનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર પણ… સરકારના આ પગલાથી બાસમતી ઉત્પાદકોને ભારે નુકસાન

નવીદિલ્હીઃ ભારતના બજારોમાં બાસમતી ચોખાનું આગમન શરૂ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે ખેડૂતોને ડાંગરના ઓછા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે બાસમતી ચોખાના વેચાણમાં તેમને નુકસાન થઈ રહ્યું છે. જો ખેડૂતોની વાત માનીએ તો આ વખતે તેઓને પ્રતિ ક્વિન્ટલ ૪૦૦થી ૫૦૦ રૂપિયા ઓછા મળી રહ્યા છે. તે જ સમયે, ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે મસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત ૧,૨૦૦ ડોલર પ્રતિ ટન નક્કી કરી હોવાને કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે.

ભારત બાસમતીનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. તે તેના ઉત્પાદનના ૮૦ ટકા બાસમતી ચોખાની નિકાસ કરે છે. આવી સ્થિતિમાં, નિકાસને કારણે તેનો દર સતત ઉપર અને નીચે થતો રહે છે. જો બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત પ્રતિ ટન $૮૫૦થી વધી જાય તો વેપારીઓને નુકસાન થશે. જેના કારણે ખેડૂતોને પણ નુકશાન થશે. કારણ કે વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે બાસમતી ચોખા ખરીદશે. દરમિયાન, એવા સમાચાર છે કે બાસમતી ચોખાની નવી પાક ૧૫૦૯ જાતના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે તેના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૪૦૦નો ઘટાડો થયો હતો.

ફાર્મર્સ વેલ્ફેર ક્લબના પ્રમુખ વિજય કપૂરનું કહેવું છે કે મિલરો અને નિકાસકારો ખેડૂતોને વાજબી દર આપતા નથી. તેઓ ખેડૂતો પર ઓછા ભાવે બાસમતી ખરીદવા દબાણ કરી રહ્યા છે. તેમના મતે જો સરકાર ૧૫ ઓક્ટોબર પછી લઘુત્તમ નિકાસ કિંમત પાછી ખેંચી લે તો ખેડૂતોને ઘણો સારો નફો મળશે. તેમણે કહ્યું કે પંજાબના વેપારીઓ ૧૫૦૯ જાતના બાસમતી ચોખા હરિયાણાથી ઓછા ભાવે ખરીદી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે. હરિયાણામાં કુલ ૧.૭ મિલિયન હેક્ટર વિસ્તારમાં બાસમતી ચોખાની ખેતી થાય છે. તેમાંથી લગભગ ૪૦ ટકા હિસ્સો ૧૫૦૯ વેરાયટીનો છે. ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સેટિયાના જણાવ્યા અનુસાર, જો બાસમતીના ભાવ આ રીતે જ ચાલુ રહેશે તો ખેડૂતોને કુલ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે.