પર્યાવરણ દિવસઃ પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી પહેલને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

જી.પી.સી.બી ની નવનિર્મિત સુરત, સરીગામ તથા અંકલેશ્વરની પ્રાદેશિક કચેરીના મકાનો તથા એમિશન ટ્રેડિંગ સ્કીમનું  વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુ

જોખમી કચરાના હેરફેર માટેની વિહિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (VLTS)નું ગુજરાત મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઈ- લોકાર્પણ

:મુખ્યમંત્રી ભેન્દ્રભાઈ પટેલઃ

  • પર્યારણ દિવસની ઉજવણી એ આપણા ભૂતકાળ પર નજર નાંખી વર્તમાન ઉપાયોથી ઉજ્વળ ભવિષ્યનો માર્ગ કંડારવાનો અવસર…
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડર શીપમાં દેશને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય સુધારવાની નવી દિશા મળી…
  • વર્ષ 2030 સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી 500 ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના 50 ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમને આપણે સાકાર કરીએ.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે આ દિવસ આપણા ભૂતકાળ પર નજર નાખી વર્તમાનની સ્થિતિના ઉપાયોથી પર્યાવરણ પ્રિય ઉજ્વળ ભવિષ્યનો માર્ગ કંડારવાનો અવસર છે. સમયની માંગ સમજીને અને પૃથ્વી પર જીવવાના દરેકના અધિકારને સુરક્ષિત રાખીને જેટલું બને તેટલું ઓછું નુકસાન પૃથ્વીને થાય તેવું સામાજિક જવાબદારી પૂર્ણ વર્તન કરીએ તેવી અપીલ તેમણે કરી હતી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા જણાવ્યું હતું કે,  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડર શીપમાં દેશમાં પર્યાવરણ જાળવવાની દિશામાં  નવતર કદમ અને પહેલથી દેશને પ્રાકૃતિક ખેતી દ્વારા  જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય સુધારવાની નવી દિશા મળી છે.   વડાપ્રધાન એ ગ્લાસગો ખાતેની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંકલ્પ  વ્યક્ત કર્યો હતો કે  2070 સુધીમાં ભારતને  નેટ ઝીરો કાર્બન એમિશન  દેશ બનાવવો છે. આ સંકલ્પને સાકાર કરવા 2030 સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી 500 ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના 50 ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત પણ વડાપ્રધાન ના સંકલ્પને પાર પાડવામા સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે અને રાજ્યના ઉદ્યોગો અને સૌના સહયોગથી ગુજરાત પર્યાવરણ પ્રિય ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રી એ   આઝાદીના અમૃત મહોત્સવ વર્ષના  આ વિશ્વ પર્યાવરણ દિવસે સૌને જળ જમીન બચાવી શુદ્ધ રાખી પર્યાવરણ જાળવવાના સામૂહિક સંકલ્પનું આહ્વાન કર્યું હતું.   ભૂપેન્દ્ર પટેલે રાજયના ઉદ્યોગ ગૃહોને પણ  પર્યાવરણ જાળવી અને પ્રદૂષણ અટકાવી વિકાસમા સહભાગી થવા અનુરોધ કરતા સ્પષ્ટપણે ક્હ્યું કે ઉદ્યોગ ગૃહોને પર્યાવરણ જાળવવાના પ્રયાસોમાં  સરકાર તેમની સાથે છે અને તેમની   યોગ્ય તથા વાજબી રજૂઆતો માટે  મુખ્યમંત્રી કે પર્યાવરણ મંત્રીના દ્વાર ખુલ્લા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અવસરે કેટલીક પહેલ પણ હાથ ધરવામાં આવી છે.  તદઅનુસાર જી.પી.સી.બી દ્વારા અંદાજીત રૂ. ૫ કરોડના ખર્ચે સાબરમતી, મહિસાગર, તાપી, દમણગંગા નદીઓ અને કાંકરીયા, થોળ તળાવ પર રીયલ ટાઇમ ઓનલાઇન વોટર ક્વોલીટી મોનીટરીંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી ચાલુ છે. તેનાથી નદી- તળાવના પાણીની ગુણવતા પર રીયલ ટાઈમ નજર રાખી તેને સુધારવા ચોક્ક્સ પગલાં ભરી શકાશે.

વિવિધ પ્લેટફોર્મ પર રહેલી ઓનલાઈન મોનિટરિંગની રીયલ ટાઈમ  માહિતીને એક જ પ્લેટફોર્મ પર લાવી મોનીટરીંગ, ચેક, વોર્નિંગ – અપડેટ્સ સાથે બોર્ડ વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે ઓછા મેન પાવર સાથે પ્રદૂષણ નિયંત્રણ કરવા સક્ષમ બને તે માટે અંદાજીત રૂ. ૭ કરોડના ખર્ચે સેન્ટ્રલર કમાન્ડ એન્ડ કંટ્રોલ- સિક્યોર સેન્ટરનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી તુલનાત્મક ગ્રાફિકલ ડેટાબેઝ પરથી રિસર્ચ અને ડેવલપમેન્ટને પણ વેગ મળશે. આ ઉપરાંત  બોર્ડ દ્વારા  VLTS- (Vehicle Location Tracking System)  કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમના ક્લોઝ લુપ થકી જોખમી કચરાના વ્યવસ્થાપન પર બાજ નજર રાખી શકાશે.

જીપીસીબીએ શરૂ કરેલી હેલ્પ ડેસ્ક વ્યવસ્થાને સમયની માંગ સાથે નવું જ રૂપ આપી રાજ્યની ચેમ્બરો દ્વારા ૧૦ થી વધુ  ઔદ્યોગિક એસોશિયેશન ખાતે પણ કાયદાકીય તેમજ સરકારી નિયમો માટે માર્ગદર્શન આપવા માટે હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બોર્ડના અધિકારીઓ દ્વારા વિડીયો કોન્ફરન્સ થકી માર્ગદર્શન આપવાની સુવિધા કરવામાં આવશે. તેનાથી, ઉદ્યોગોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થશે

ઉદ્યોગોના પ્રશ્નોના સ્થાનિક કક્ષાએ  એક સાથે નિરાકરણ માટે જીપીસીબી દ્વારા દર માસના ત્રીજા બુધવારે બપોરે ૩ થી ૫ સમયે રાજ્યની તમામ પ્રાદેશિક કચેરી ખાતેઓપન હાઉસનું આયોજન જાહેર કર્યું છે.

GPCBએ ઉદ્યોગોને સ્થળ પસંદગી માટે પડતી અગવડ દૂર કરવા અને અન્ય વિભાગોના ક્રાઈટેરીયા સાથે સુમેળ કરી “જીપીસીબીના સાઈટીંગ ક્રાઈટેરીયા”ને જાહેર કર્યા છે. આનાથી ઉદ્યોગકાર જમીનમાં રોકાણ કરતા પહેલા સુચારુ રીતે નિર્ણય લઈ શકશે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી   જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ” Only one Earth” થીમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે. દેશમા માત્ર ચાર રાજ્ય પૈકી અલગથી “કલાઈમેન્ટ ચેન્જ” વિભાગ શરું કરવાનું શ્રેય ગુજરાતને જાય છે.સાથે સાથે આપણાં ધર્મસ્થાનોને ‘પ્લાસટીક મુક્ત ‘ કરવાની ઝુંબેશમાં ઉધોગો આગળ આવે તેવી હાકલ પણ મંત્રી એ કરી હતી.

મંત્રી   એ વધુમાં જણાવ્યું હતું કે માત્ર પ મી જૂનને’ વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવો એ પૂરતું નથી. આપણે માત્ર ભૌતિક સુવિધાઓનો જ વિચાર કરીએ છીએ.પરંતુ પર્યાવરણના જતન – સંવર્ધનની ચિંતા કરતાં નથી. આજે વિશ્વમાં ઉજવાતા વિવિધ ’ડે’ ની ઉજવણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ‘ પર્યાવરણ દિવસ ‘ સાથે જોડાયેલી છે ત્યારે પર્યાવરણની સુરક્ષા એ આપણી અગ્રિમ પ્રાથમિકતા છે એમ તેમણે ઉમેર્યું હતું.

અનાજ ઉત્પાદન પ્રક્રિયાનો ઉલ્લેખ કરી મંત્રી   એ જણાવ્યું હતું કે એક અંદાજ પ્રમાણે ૧ કિલો ઘઉં પકવવા ૮૦૦ લિટર જેટલું પાણી વપરાય છે. ત્યારે તેનો બગાડ આપણને પોષાય નહીં. ‌સાથે સાથે વીજ બચાવ, ઈંધણ બચાવ જેવા અભિયાન એ સમયની માંગ છે. આગામી પેઢીને ‘સ્વસ્થ પર્યાવરણ’ આપવું એ આપણી નૈતિક ફરજ છે ત્યારે ફોરેન કલ્ચર અપનાવવાના બદલે આપણી પરંપરાઓને આગળ વધારવી એ સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ   અરૂણકુમાર સોલંકીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે  ઉધોગ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની પ્રક્રિયા રાજ્ય સરકાર સુપેરી રીતે કરી રહી છે. વિશ્વ આખાએ આ બાબત સ્વીકારી છે. રાજયનો વન અને પર્યાવરણ વિભાગ આ દિશામાં કટિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્લાસ્ટિક કચરાના એકત્રિકરણ અને નિકાલની ઝુંબેશમાં સક્રીય યોગદાન આપનાર ઉધોગ -સંસ્થાઓનુ મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું.

આ પ્રસંગે અમદાવાદના મેયર   કિરીટકુમાર પરમાર, ધારાસભ્ય   અરવિંદભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર  લોચન શહેરા,  જી.પી.સી.બી ના ચેરમેન   આર.બી બારડ, ફેડરેશન ઓફ ઈન્ડિયાના   કાંતિભાઈ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના   હેમંત શાહ, ઉધોગપતિઓ અને વરિષ્ઠ પર્યાવરણ ઇજનેર ઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.