પ્રલય તરફ ધકેલાઇ રહી છે પૃથ્વી! : વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

છેલ્લા ૪૦ કરોડ વર્ષોમાં પૃથ્વી પર અનેક પૂર આવ્યા છે. તો ઘણી વાર આવતા-આવતા રહી ગયા. કુદરતએ અનેક વખત સામૂહિક વિનાશ કર્યો છે. હવે પછીનો વિનાશ કદાચ શરૂ થઈ ગયો છે અને તે પણ વિશ્વભરની નદીઓ અને તળાવો દ્વારા. સૌથી ખરાબ પ્રલય ની પરિસ્થિતિ ૨૫.૨ મિલિયન વર્ષ પહેલાં બની હતી. ત્યારે પર્મિયન પિરિયડ પૂરો થવા આવ્યો હતો. તે સમયની તબાહી તે સમયના જીવો સહન કરી શક્યા ન હતા. ચારે તરફ જંગલની આગ, દુષ્કાળ, દરીયો ગરમ હતો, ખતરનાક બેક્ટેરિયા અને ઝેરી શેવાળનું પ્રમાણ વધ્યું હતું. નદીઓ, તળાવો અને અન્ય જળસ્ત્રોતો જીવલેણ બની ગયા હતા. ઓક્સિજન ખતમ થઈ રહ્યો હતો. જીવો મરી રહ્યા હતા. બહુ ઓછા પ્રાણીઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચી શક્યા હતા.

હાલના સમયમાં પણ ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તે પ્રલયના કારણે પૃથ્વી પરની ૭૦ ટકા પ્રજાતિઓ નાશ પામી હતી. ૮૦% પ્રજાતિઓ સમુદ્ર દ્વારા નાશ પામી હતી. તેથી જ વૈજ્ઞાનિકો તેને ધ ગ્રેટ ડાઇંગ કહે છે. આના પુરાવા ઓસ્ટ્રેલિયામાં મળી આવ્યા છે. ઐતિહાસિક રીતે, જો આપણે મનુષ્યની હાલની ક્રિયાઓ પર નજર કરીએ તો આપણે આ પ્રલયમાંથી બોધ પાઠ લઇ રહ્યા નથી. આપણે સતત અશ્મિભૂત ઇંધણ બહાર કાઢીએ છીએ. પરંતુ પૃથ્વીના જે સ્તરોમાંથી અશ્મિભૂત ઇંધણ બહાર આવે છે, તેમાંથી પ્રલયના પુરાવા પણ મળી રહ્યા છે. તાજેતરના સંખ્યાબંધ અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે ગ્લોબલ વોર્મિંગનું સ્તર સતત વધી રહ્યું છે. જૂના પ્રલયના અવશેષો શોધનાર વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ કનેક્ટિકટ યૂનિવર્સિટીના સેડિમેન્ટોલોજીસ્ટ ક્રિસ્ટોફર ફીલ્ડિંગે જણાવ્યું કે, વૈશ્વિક તાપમાન પરમિયન સમય જેટલું થઇ ચૂક્યું છે. વિશ્વની અનેક નદીઓ અને ઝરણાઓમાં ખતરનાક બેક્ટેરિયા અને ઝેરી શેવાળું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. આ એવી સ્થિતિ છ જે ૨૫.૨ કરોડ વર્ષ પહેલા બની હતી. તેનાથી અનેક પ્રજાતિઓનો સામૂહિક વિનાશ થશે. એક પ્રજાતિના વિલુપ્ત થવાની અસર અન્ય પર પડશે. આ પ્રકારે ઇકોસિસ્ટમ બગડશે અને પ્રલયની શરૂઆત થશે. જે રીતે તાપમાન વધી રહ્યું છે, તેનાથી જંગલમાં આગ લાગવાના બનાવો વધશે. ૨૦૧૯ના અંતથી ૨૦૨૦ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં જંગલી આગ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. જેમાં લાખો પશુઓનો વિનાશ થયો છે. કેલિફોર્નિયાથી યુરોપ સુધી, રશિયાના આર્કટિક ક્ષેત્રથી લઈને ભારતના ઉત્તરાખંડના પર્વતો સુધી વધતા તાપમાનને કારણે બધે જ જંગલોમાં આગ લાગી રહી છે. તેનાથી જંગલમાં રહેતા જીવોનો નાશ થઇ રહ્યો છે. આ વિનાશ ગમે ત્યારે સામૂહિક વિનાશનું સ્વરૂપ લઈ શકે છે. આ જંગલી આગના ઘણા પ્રાચીન પુરાવા પત્થરો પરથી મળી આવ્યા છે. જેમાં ઘણી વખત સામૂહિક વિનાશના રેકોર્ડ સીધો જોઇ શકાય છે. આ સામૂહિક વિનાશ માત્ર ઓસ્ટ્રેલિયાની આસપાસ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થયો હતો. માત્ર દક્ષિણ ધ્રુવની નજીક આવેલા ઓસ્ટ્રેલિયામાં જ નહીં, પરંતુ ઉત્તર ધ્રુવ નજીક સાઇબિરીયામાં પણ આવી આફત આવી હતી.

હવે પછીનો પ્રલય ક્યારે આવશે તેની જાણ વૈજ્ઞાનિકોને નથી, પરંતુ પ્રલયની શરૂઆત થઈ ગઇ હોવાનું તેઓ માને છે. કાર્બન ડાયોક્સાઈડના કારણે વધતી ગરમી સૂક્ષ્મજીવોમાં સતત વધારો, બીમારીઓનો ફેલાવો, જંગલોની આગ, ગ્લેશિયરો પીગળવા, સમુદ્રનું જળસ્તર વધવું આ બધી ઘટનાઓ એકસાથે બની રહી છે. પરંતુ પ્રલય શરૂઆત નદીઓ અને ઝરણાઓથી થશે. આપણા જળસ્ત્રોતમાં ઓક્સિજન નહીં હોય, તેથી તેના આધારે જીવંત રહેતા જીવજંતુઓ અને વૃક્ષોનો નાશ થશે. ત્યાર બાદ આ વિનાશની ગતિ વધીને તેની આસપાસના વિસ્તાર, રાજ્ય, દેશ અને સમગ્ર મહાદ્વિપમાં ફેલાશે.