નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું

શ્રાવણનો મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે એવું મનાય છે. આથી શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બહુ જલદી શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. ત્યારે યુપીથી એક ખુબ જ આનંદિત કરી નાખે તેવા સમાચાર આવ્યા છે. દોહરીઘાટ કસ્બાના રામઘાટ પર શનિવારે ઘાઘરા નદીમાંથી ૫૦ કિલો વજનનું ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. ચાંદીનું શિવલિંગ મળવાની ઘટનાને લોકો ચમત્કાર ગણી રહ્યા છે. આ સાથે જ શિવલિંગને અલૌકિક પણ ગણાવવામાં આવી રહ્યું છે. શિવલિંગ મળતા જ ગણતરીની પળોમાં આ વાત ચારેબાજુ ફેલાઈ ગઈ અને દુર દુરથી લોકો તેના દર્શન માટે આવવા લાગ્યા.  દોહરીઘાટ કસ્બાના ભગવાનપુરા રહીશ રામ મિલન સાહની શનિવારે નદી કિનારે વાસણ ધોઈ રહ્યા હતા. તે સમયે તેમને નદીમાં કઈક ચમકતું જોવા મળ્યું.

રામ મિલન સાહનીએ નજીક જોઈને જોયુ તો ચમકતી વસ્તુ શિવલિંગ હતું. નદીમાંથી ચાંદીનું શિવલિંગ મળી આવવાની ખબર ઝડપથી ફેલાઈ ગઈ અને ત્યારબાદ લોકોનો જમાવડો થવા લાગ્યો.  રામ મિલન સાહનીએ શિવલિંગને નદીમાંથી બહાર કાઢીને તેની વિધિવત પૂજા કરી. ત્યારબાદ શિવલિંગને દોહરીઘાટ પોલીસ મથકને સોંપી દેવાયું. બીજી બાજુ મઉના એસપી અવિનાશ પાંડેએ આ મામલે કહ્યું કે સાંજે ૩.૩૦ વાગે ઘાઘરા નદીમાં કેટલાક લોકોને એક ચમકતી વસ્તુ દેખાઈ. વસ્તુને બહાર કાઢી તો તે ચાંદીનું શિવલિંગ જણાયું. શિવલિંગને સન્માન સાથે પોલીસ સ્ટેશનના માલખાનામાં રાખવામાં આવ્યું છે. વિશેષજ્ઞ એજન્સીઓ પાસેથી તેની તપાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.