મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થશે. હવે કમોસમી વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૫થી ૭ દિવસ વાતાવરણ સાફ રહેશે તેમજ દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં જણાવ્યું કે, ગુજરાત પર મિચૌંગ વાવાઝોડાની અસર નહી વર્તાય.

હવામાન વિભાગે જણાવ્યું કે, ૧૦ ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. નલિયામાં ૧૦.૦૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.