સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. સાથેસાથે આગામી ૩ દિવસ તાપમાન યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે, શિયાળો પુરો થવા તરફ જઈ રહ્યો છે. તાપમાનમાં વધારો જોવા મળશે.

પોષ માસની કડકડતી ઠંડી ધીમી ગતિએ વિદાય લઈ રહી હોવાના અણસાર હવામાન વિભાગે પણ આપ્યા છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો કહી શકાય તેવી ઠંડી રહી હતી. જે આગામી ૨૪ કલાક સુધી યથાવત રહેશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન વધતું જશે, મતલબ ઠંડી ઘટતી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવાની દિશા બદલાઈ છે. હાલ સૌરાષ્ટ્રમાં ઉત્તર પશ્ચિમી પવનો છે જેને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે.

પવનની ગતિ પણ હાલ ખૂબ જ મંદ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની થશે અને પવનની ગતિમાં પણ વધારો થશે. જોકે હાલ તો બે ત્રણ દિવસ સુધી હજુ આ મુજબનું જ હવામાન રહે તેવી શક્યતા છે. ત્યારબાદ ન્યુનતમ તાપમાનમાં નજીવો ઘટાડો થશે. મહત્તમ તાપમાન પણ ૩૦ ડિગ્રીની નજીક આવશે આ કારણે આવતા સપ્તાહ સુધી હળવી ઠંડીનો અનુભવ રહેશે. જોકે વધુ ઠંડી પડે તેવો રાઉન્ડ આવે તેવા હજુ કોઇ અણસાર દેખાઈ રહ્યા નથી.