બોડિયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે. પશુપાલકો પણ ઢોરને તળાવ પાસે ચરાવવા લઇ જઇ રહ્યા છે. લીંબડી તાલુકાના બોડીયા ગામે લીયાડ જવાના રસ્તે આવેલ તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ કચરો ઠાલવવામાં આવ્યો છે. કેમિકલ વેસ્ટની દુર્ગંધથી આસપાસના રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. કેમિકલ કચરો શું છે તે જાણી શકાયું નથી પરંતુ તેની દુર્ગંધ એટલી ભયંકર છે કે અડધો કિલોમીટર દૂરથી પણ અનુભવી શકાય છે.

તળાવમાં ફેંકવામાં આવેલો કેમિકલ વેસ્ટ પાણીમાં ભળી જતાં શું નુકસાન થશે તે આવનારો સમય જ બતાવશે. કેમિકલ વેસ્ટના કારણે ગ્રામજનો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. બીજી તરફ પશુપાલકો લીયડના રસ્તે ચરવા જતા હોય છે. બોડિયાના ગ્રામજનો આર્થિક લાભ માટે તળાવમાં રાસાયણિક કચરો નાખીને પશુઓ અને લોકોના જીવ જોખમમાં મૂકનારાઓ સામે સત્વરે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. જોકે, સદાય નિંદ્રાધીન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ ઘટનાની કોઈ જાણકારી હોય તેવું જણાતું નથી.

આટલા મોટા જથ્થામાં કેમિકલની દાણચોરી થાય છે અને તે અંગે તંત્રને જાણ નથી અને કેમિકલ ભરેલી થેલીઓનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.