રામોલમાં ગટરમાંથી કેમિકલયુક્ત વહી રહેલુ પાણી જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ કરી રહ્યું છે

રામોલ ટોલનાકા પાસે રામોલ ગામ જવાના માર્ગ પર શુક્રવારે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બે ફૂટ ઓવરફ્લો થયું હતું. આ ગંદુ પાણી એક કિમી સુધી ફેલાયું હતું. કાળા, ભૂરા અને જાંબલી પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. આ બાબતે સ્થાનિકોએ તંત્રને જાણ કરતાં પાલિકાના ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેમિકલયુક્ત પાણી કોણે છોડ્યું, ક્યાંથી આવ્યું વગેરે અંગે તપાસ ચાલી રહી છે.

રામોલ, વટવા, લાંભા વગેરે વિસ્તાર કેમિકલયુક્ત દૂષિત પાણી માટે કુખ્યાત છે. ઔદ્યોગિક એકમો આડેધડ પ્રક્રિયા કર્યા વિના ગટર અથવા વરસાદી પાણીની લાઈનો, ખારીકટ કેનાલોમાં કેમિકલયુક્ત પાણી છોડે છે. આવી જ એક ઘટનામાં શુક્રવારે સવારે રામોલ ટોલનાકા પાસે રોડ પર ગટરમાંથી કેમિકલયુક્ત પાણી લીક થઈ રહ્યું હતું.

મ્યુનિસિપલ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીના ડે ચેરમેન પ્રકાશ ગુર્જરના જણાવ્યા અનુસાર મામલો ગંભીર છે. લોકોના આરોગ્ય માટે ખતરો છે. કેમિકલ માફિયાઓ જે બેફામ બની ગયા છે તેમને નિયંત્રણમાં લાવવાની જરૂર છે. આ બાબતની તપાસ માટે ઈસ્ટ ઝોનના ઈજનેર વિભાગને જાણ કરવામાં આવી છે.

સંબંધિત અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ રસ્તા પર ભરાયેલા પાણીનો નિકાલ, પાણી તાત્કાલિક બંધ કરવાની વ્યવસ્થા કરી. કેમિકલયુક્ત પાણી કોણે છોડ્યું તેની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં, આવા જ એક કેસમાં લાંભા ફેક્ટરીને કેમિકલયુક્ત પાણી છોડવા બદલ રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. થોડા વર્ષો પહેલા કેમિકલના ઝેરી ગેસની અસરથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા

ચાર વર્ષ પહેલા રામોલ ટોલનાકા પાસે મોડી રાત્રે આવી જ કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરમાં ઠાલવવામાં આવ્યું હતું. ગટરોમાં રસાયણો અને એસિડ એકઠા થતાં ઝેરી વાયુઓ ઉત્સર્જિત થયા હતા. મહેશ્વરી ટેકરા, તક્ષશિલા રોડ પરની એક સોસાયટીના મકાનમાં ગટર લાઇનમાંથી ગેસ ફરી ઘર તરફ વાળવામાં આવ્યો હતો. ભૂતકાળમાં આ વિસ્તારમાં શિયાળાના દિવસે દરવાજા બંધ હોવાથી ગેસના કારણે માતા સહિત ચાર બાળકોના મોત થયા છે.  આ ઘટના તે સમયે ટોક ઓફ ધ ટાઉન બની હતી. પોલીસ તપાસ ચાલુ, જીપીસીબી અને મ્યુનિ. અધિકારીઓ થોડા દિવસ તપાસના નામે ઘટનાસ્થળે ધસી ગયા હતા. પછી તંત્ર અને અધિકારીઓ શાંત થયા! આ કિસ્સા બાદ પણ તંત્ર જાગ્યુ નથી. કેમિકલ માફિયાઓ હજુ પણ કેમિકલના ટેન્કરો ખુલ્લી ગટરોમાં નાખી રહ્યા છે. કંપનીમાં પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવો જરૂરી છે. છતાં તંત્ર મૌન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *