વોટરપાર્ક દ્વારા પાણી લેવા નર્મદા કેનાલમાં ગાબડુ પડાતા ગ્રામજનોમાં રોષ

સુખપુર નજીક આવેલા આ વોટરપાર્કમાં ખાનગી જમીન ઉપરાંત રેલવેની હદમાં આવેલી રેલવેની જમીન ઉપર પણ દીવાલ ખડકી દેવામાં આવી છે. તેમજ સરકારી ખરાબાની જમીન ઉપર પણ કબ્જાે જમાવી લેવામાં આવ્યો છે. ઉપરાંત વીજતંત્રને પણ જાણે ખિસ્સામાં નાખી લીધું હોય તેવી સ્થિતિ વચ્ચે નર્મદા કેનાલના મૂળમાં જ વીજપોલ ઉભા કરી લેવામાં આવતા ગ્રામજનો અને ખાસ કરીને નર્મદા યોજનાની સિંચાઈનો લાભ લેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.હળવદ તાલુકાના સુખપુર નજીક વોટરપાર્કમાં નર્મદા કેનાલમાંથી પાણી લેવા તેના માલિકો દ્વારા કેનાલમાં બાકોરું પાડી લેવામાં આવ્યું છે.

ઉપરાંત રેલવેની હદમાં આવતી જમીન અને સરકારી ખરાબાની જમીન પણ કબ્જે કરી લેવાતા ગ્રામજનોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. બારે મહિના ખળખળ વહેતી રહેતી નર્મદા કેનાલના પાણી માટે માળીયા-મોરબી સહીતના છેવાડાના ખેડૂતો ખેતીની સિઝન દરમિયાન રીતસર ટળવળતા હોય છે.

ત્યારે હળવદના સુખપુર ગામ નજીક નિર્માણાધીન વોટરપાર્કમાં નર્મદાના પાણીથી સહેલાણીઓને ધુબાકા મરાવવા માટે કેનાલમાં મસમોટું બાકોરું પાડી દેવાયું છે. સાથે સાથે નર્મદા ઓથોરિટીની માલિકીની જગ્યા ગણાય તેવી કેનાલની લગોલગ આવન-જાવનનો માર્ગ પણ બનાવી લેવાયો છે. છતાં નર્મદા ઓથોરિટીના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં મૂંગા મોઢે તમાશો જોઈ રહ્યા છે.