પાટનગર ગાંધીનગરમાં પાણીની પાઈપ લાઈનો નાંખવા વૃક્ષોનો ભોગ લેવાશે

ગાંધીનગરમાં ૨૪ કલાક ઘરે ઘરે નળથી પાણી આપવાના પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. જે માટે પાણીની પાઈપ લાઈન બિછાવવા માટે અડચણરૂપ વધુ ત્રણ હજાર વૃક્ષોનો સોથ વાળી દેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એકતરફ દર ચોમાસામાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી વધુમાં વધુ વૃક્ષો વાવવાનાં સૂફીયાણી અભિયાન હાથ ધરવામાં આવે છે અને બીજી તરફ જેટલા વૃક્ષોના રોપા વાવવામાં આવે છે. તેનાથી ડબલ લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી દેવાય છે. હાલમાં સેકટર-૨૭માં વર્ષો જૂના વૃક્ષો કાપવાની પ્રવૃતિ શરૂ થતાં પ્રકૃતિ પ્રેમીઓ રોષે ભરાયાં છે.

નળ સે જલની યોજના હેઠળ ત્રણ હજાર વૃક્ષો તેમજ ૩૫ હજાર જેટલા રોપાઓનો પણ ભોગ લેવામાં આવનાર છે. જે માટે વન વિભાગ સ્માર્ટ સીટી પાસેથી રકમની વસુલાત પણ કરશે. અને તેની સામે ડબલ વૃક્ષોના રોપાનું વાવેતર કરશે તેવું પણ વન વિભાગના સુત્રો કહી રહ્યા છે. ગાંધીનગરમાં જે રીતે વિકાસની આંધળી દોટમાં ઠેર ઠેર સિમેન્ટ કોંક્રીટના જંગલો, ઓવર બ્રિજ તેમજ મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે તે જોતાં વૃક્ષો વાવવા માટેની જમીન જ રહી નથી. તે વાત પણ સ્વીકારવી પડે એમ છે. જોકે, હાલમાં તો તંત્ર દ્વારા અડચણ રૂપ વૃક્ષોનું માર્કિંગ કરીને તેનું નિકંદન કાઢવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવાતાં પ્રકૃતિ પ્રેમીઓમા ભારોભાર રોષ ભભૂકી ઉઠ્‌યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સીટીનો દરજ્જાે અપાવવાની હરણફાળમાં વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા વિકાસના કામોમાં હજારો લીલાછમ વૃક્ષોનો ખુરદો બોલાવી દેવાયો છે. હવે ગાંધીનગરમાં ૨૪ કલાક ઘરે ઘરે નળથી પાણી આપવાના ડ્રીમ પ્રોજેક્ટ અન્વયે પાણીની પાઈપ લાઈનો બિછાવવા માટે ત્રણ હજાર જેટલા વૃક્ષોનો ભોગ લેવાની શરૂઆત કરી દેવાતાં આંધળા વિકાસ સામે પ્રકૃતિ પ્રેમીઓમા રોષ ભભૂકી ઉઠયો છે.

એક સમયે લીલાછમ વૃક્ષોનાં જંગલથી ઘેરાયેલા રાજ્યના પાટનગરની હરિયાળીની દેશભરમાં નોંધ લેવામાં આવતી હતી, પરંતુ વિકાસની આંધીમાં સમયાંતરે સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઉભા કરવાં માટે ગાંધીનગરની આગવી ઓળખ સમાન લીલોતરીનો કચ્ચરઘાણ વાળી દેવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સ્માર્ટ સીટી અન્વયે ઓવર બ્રિજ, સિક્સ લેન રોડ બનાવવા તેમજ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.