સિંહણ રાજમાતાઃ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં પોતાનું એકચક્રી સાશન ચલાવેલુ

અમરેલી: આમ તો એશિયાટિક સિંહ એ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. જો કે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં પોતાનું એકચક્રી સાશન ચલાવેલુ છે અને હવે આ જ ‘ગીરની શાન’ને સૌથી મોટું સન્માન મળવા જઇ રહ્યું છે. આપણે જેની વાત કરવા જઇ રહ્યા છીએ તેમણે સમગ્ર એશિયામાં સૌથી મોટું આયુષ્ય ભોગવ્યું હતું. તેના નામે એકને બદલે ૩-૩ વિશ્વવિક્રમ બોલે છે.

આ વાત છે અમરેલીની રાજમાતા સિંહણની કે જેને સિંહપ્રેમીઓએ અનોખું અને સૌથી અદકેરું સન્માન આપ્યું છે. લીલીયાના ક્રાકચ ગામ નજીક જે બવાડી ટેકરી રાજમાતાનું ઘર હતી, તે જ બવાડી ટેકરી પર હવે રાજમાતાનું સ્મારક બન્યું છે. ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણે ક્રાકચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. હવે રાજમાતાની યાદને કાયમી જાળવી રાખવા ગામ લોકો અને સિંહપ્રેમીઓએ સાથે મળીને ગામની સીમમાં રાજમાતાની પ્રતિમા સ્થાપિત કરી છે.

રાજમાતા અને તેમના પરિવારના સાવજાની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ પણ મોટો ભોગ આપ્યો છે, ત્યારે હવે તેમની સ્મૃતિ કાયમ રહે તે માટે ગ્રામજનોએ આ સ્મારક થકી રાજમાતાને અનોખી અંજલિ અર્પણ કરી છે. સિંહણ રાજમાતાને લોકો, પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ યાદ કરી ગૌરવ અનુભવી રહ્યા છે. લીલીયા ક્રાકંચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં રાજમાતાની સૌથી મહત્વની ભૂમિકા હતી.

રાજમાતાનું નામ તેનો ઠસ્સો અને તેની પ્રતિભાને શોભે તેમ હતું, આ સિંહણ ગીરના સૌથી મોટા ઝૂંડનો હિસ્સો હતી. તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘુસવા નહોતી દેતી. વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ્‌સના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સ્થાઈ થયેલા તમામ સિંહ તેમજ સિંહણ રાજમાતાના જ વંશજો છે. ક્રાકચ બવાડી ડુંગરનો વિસ્તાર રાજામાતાને વધુ પસંદ હતો. રાજમાતાનું આ સૌથી મનપસંદ વિશ્રામસ્થાન હતું. હવે ત્યાં જ સ્મારક બનાવવામાં આવ્યું છે, જે બે કિલોમીટર દૂરથી પણ દેખાઇ રહ્યું છે.

વર્ષ ૨૦૨૦માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યા બાદ જ્યારે રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીઓને કારણે મોત થયું. તેના બેસણામાં જ સિંહપ્રેમીઓએ રાજમાતાનું સ્મારક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને હવે સ્મારક તરીકે સિંહપ્રેમીઓનો આ સંકલ્પ પૂર્ણ થયો છે. રાજુલા પંથકમાં અનેક સિંહો નામથી ઓળખાય છે. જેમાં કવીન રાણી, અર્જુન મેઘરાજ નામના સિંહોના નામ જાણે શૂરવીરોની જેમ ઇતિહાસના ચોપડે નોંધાયા છે, પરંતુ આ બધામાં શિરમોર છે રાજમાતા, કે જેનું નામ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે. હવે વાત કરીએ રાજમાતાના નામે નોંધાયેલા ૩ એવા વર્લ્ડ રેકોર્ડની, કે જે આજે પણ અતૂટ છે. જેને આજ દિવસ સુધી કોઇ તોડી શક્યું નથી.

સૌથી પહેલો રેકોર્ડ છે સૌથી લાંબા આયુષ્યનો. એશિયાટિક સિંહો સામાન્ય રીતે ૧૬ વર્ષ જીવતા હોય છે, પરંતુ રાજમાતા તેમાં અપવાદ હતી. રાજમાતાએ ૧૯ વર્ષ સુધી લાંબુ આયુષ્ય ભોગવી રેકોર્ડ બનાવ્યો. આ ઉપરાંત મુક્ત રીતે વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાને વિશ્વ વિક્રમ પણ રાજમાતાના નામે છે. રાજમાતાએ તેમના જીવનકાળ દરમિયાન ૮ વખત ગર્ભ ધારણ કર્યો અને આ દરમિયાન કુલ ૧૫થી વધુ સિંહબાળને જન્મ આપ્યો. આ ઉપરાંત રાજમાતાએ ૧૮ વર્ષે માતા બનવાનો પણ અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. રાજમાતાએ છેલ્લી વાર ૨૦૧૮માં સિંહબાળને જન્મ આપ્યો હતો. જોકે તે જ વર્ષે સિંહબાળ ગુમ થઈ જતા રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું.