વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ પૂર્વે વધુ 1113 કરોડ રૂપિયાના 4 એમઓયૂ કરાયા, અત્યાર સુધી કુલ રૂ. 3874 કરોડના 14 એમઓયૂ સંપન્ન

ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયૂ કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

આ ઉપક્રમનાં ત્રીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ.૧૧૧૩ કરોડના કુલ રોકાણો સાથે ૪ જેટલા એમઓયૂ આજે મંગળવાર, ૮ ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

કેમિકલ સેક્ટરમાં કુલ ૩૦૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૧ ઉદ્યોગગૃહે એમઓયૂ કર્યા હતા. તદ્‌નુસાર, મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ સાણંદમાં નેનો પ્રવાહી ખાતરનો પ્લાન્‍ટ ૨૦૨૫-૨૬ સુધીમાં શરૂ કરશે.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ એમઓયૂ પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ સીઇઓ, એમડી વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા આ એમઓયૂ સાઈનીંગના ઉપક્રમની ત્રણ કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૩૮૭૪ કરોડના રોકાણોના ૧૪ એમઓયૂ સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ  સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.

રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની આ ઉદ્યોગકારોએ સરાહના કરી હતી. મંગળવારે ૮ ઓગષ્ટે થયેલા એમઓયૂ અનુસાર સાણંદ, ડેસર-વડોદરા, પીપોદરા-સુરત તેમજ વલસાડના ડુંગરીમાં ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે ચાર એમઓયૂ થયા છે.

આ એમઓયૂ અનુસાર વન્‍ડર સિમેન્‍ટ લિમિટેડ ગુજરાતમાં પોતાનો પ્રથમ પ્રોજેક્ટ ડેસર તાલુકાના તુલસી ગામમાં રૂ.૫૫૦ કરોડના રોકાણ સાથે શરૂ કરશે અને પચાસ લોકોને રોજગારી આપશે. આ ઉપરાંત હમી વેવેલન પ્રાઈવેટ લિમિટેડ સુરતના માંગરોળ તાલુકાના પીપોદરામાં વિસ્કોસ સ્ટેપલ યાર્ન અને પોલિસ્ટર સ્ટેપલ યાર્નનો પ્રોજેક્ટ ૧૧૪ કરોડ રૂપિયાના રોકાણથી શરૂ કરવાની છે. આ પ્રોજેક્ટથી ૩૦૦ જેટલા લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહિ, મોરાઈ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ, વલસાડ જિલ્લાના ડુંગરીમાં ૧૪૯ કરોડના રોકાણથી ઈન્‍ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરશે અને અંદાજે ૩૫૦૦ જેટલા રોજગાર અવસરનું નિર્માણ થશે.

આ એમઓયૂ સાઈનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઈન્‍ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.