વડોદરામાં રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના કારીગરોને રાજ્ય એવોર્ડ કાર્યક્રમની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષતા કરી

રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ‘રાજય એવોર્ડ વિતરણ સમારંભ’માં કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હાથશાળ-હસ્તકલાના કારીગરોને સક્ષમ કરી તેમની આવકમાં વધારો કરવા અને તેઓના જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર સતત ચિંતિત છે. હેન્ડલુમ દિવસની શરૂઆત કરી આ ક્ષેત્રના કારીગરોને પ્રોત્સાહિત કરવાની પરંપરા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી તેમણે આજે કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓનું મૂલ્યવર્ધન થયું હોવાનું શ્રી રાજપૂતે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વડોદરાને ટૂંક સમયમાં હાટ મળશે અને તેમાં રાજ્યના અને દેશભરના તમામ હસ્તકલા-હાથશાળના કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવશે. જેથી કચ્છી મોજડી-ચંપલ હોય કે પાટણના પટોળા, જામનગરની બાંધણી હોય કે ખંભાતના અકીકની માળા-વીંટી – આ બધુ વડોદરાવાસીઓને ઘર આંગણે જ મળી રહેશે તેમ કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું.

ફ્લિપકાર્ટ-એમેઝોન સાથે રાજ્ય સરકારના એમ.ઓ.યુ.થી હાથશાળ-હસ્તકલાના કારીગરોને વિશ્વફલક સમક્ષ પોતાની ચીજવસ્તુઓ મૂકવાની તક મળશે, તેવું જણાવતા બલવંતસિંહ રાજપૂતે ફ્લિપકાર્ટ-એમેઝોનના પદાધિકારીઓને કારીગરો પાસેથી કમિશન ન લેવા અને નિ:શુલ્ક નોંધણી માટે સૂચન કર્યું હતું. સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ  સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓને બજાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં પાંચ કેન્દ્ર બનવા જઈ રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધે અને કારીગરો માટે વધુ ને વધુ રોજગારી તકોનું નિર્માણ થાય તે માટે રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૯૦૦ થી વધારે મેળાઓ અને પ્રદર્શનો યોજાયા હોવાનું બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કૌશલ્ય સુધારણા, ટેક્નોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાના વિકાસ દ્વારા કામદારો/કારીગરોને ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર સક્ષમ બનાવી રહી છે. રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા-વારસાની ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યભરમાંથી આવેલા કસબી અને કલા ચાહકોને વંદન કરીને કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ‘નેશનલ હેન્ડલુમ ડે’ ઉજવણીની આગવી પરંપરા શરૂ કરી ગ્રામ્ય અર્થ વ્યવસ્થા અને ગામડાની મહિલાઓને પગભર બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ખાદીના વેચાણ અને ખરીદીનો વ્યાપ વધે તે માટે નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પોતે ખાદી પહેરવાનું શરૂ કર્યું હતું. આજે હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે લાખો-કરોડોનું ટર્નઓવર થાય છે. કારીગરોને પ્રોત્સાહન આપી દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફ્લિપકાર્ટ-એમેઝોન સાથેના એમ.ઓ.યુ.નો લાભ રાજ્યના પચાસ હજાર કરતા વધારે નોંધાયેલા કારીગરોને મળશે, તેમ જણાવી આ એમ.ઓ.યુ.થી હાથશાળ-હસ્તકલાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ મોબાઈલ પર એક ક્લિકથી વિશ્વના કોઈ પણ ખૂણેથી ખરીદી શકાશે, તેમ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉમેર્યું હતું. ગામડું સમૃદ્ધ થાય અને વચેટીયાઓ દૂર કરી કારીગરોને વધુ નફો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. તદુપરાંત રાજ્યમંત્રીએ કારીગરો અને કલાપ્રેમીઓને સરકાર તેમજ કુટિર અને ગ્રામોદ્યોગ હેઠળની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રથી આજે ગુજરાતના એક નાના ગામડામાંથી બનતી વસ્તુ વિદેશ સુધી પહોંચી છે. પ્રધાનમંત્રીશ્રી વિદેશમાં જાય ત્યારે મહાનુભાવોને આ કારીગરો દ્વારા નિર્મિત વસ્તુ ભેટ આપીને ગુજરાતને ગૌરવ અપાવતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

‘નેશનલ હેન્ડલુમ ડે’ની ઉજવણીના ભાગરૂપે કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે ગુજરાતની વિવિધ હાથશાળ- હસ્તકલામાં ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, અર્થન, લાકડુ અને વાંસકામ, મેટલ ક્રાફ્ટ તથા અન્ય ક્રાફ્ટ મળી કુલ ૪ સેકટર વાઇઝ ક્રાફ્ટ પૈકી દરેક ક્રાફ્ટમાં દરેક કારીગરને પ્રથમ એવોર્ડ માટે રૂ.૧ લાખ અને દ્વિતીય એવોર્ડ માટે રૂ.૫૦,૦૦૦ એમ કુલ ૮ પુરસ્કાર ઉપરાંત ઉત્કૃષ્ટ મહિલા કારીગર એવોર્ડ માટે રૂ.૧.૨૫ લાખ, યુવા કારીગર એવોર્ડ માટે રૂ.૧ લાખ, જ્યારે લુપ્ત થતી કલાના કારીગર એવોર્ડ માટે રૂ.૧.૫૧ લાખ મળી કુલ વાર્ષિક ૧૧ એવોર્ડ કારીગરોને એનાયત કરવાની સાથે શાલ-તામ્રપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨ના દર વર્ષના ૧૧ મળી કુલ ૪૪ કારીગરોને એવોર્ડી કારીગર દીઠ રોકડ પુરસ્કાર રૂ.૫૦ હજારથી રૂ.૧.૫૧ લાખ સુધીના કુલ રૂ.૩૯.૨૯ લાખનાં રોકડ પુરસ્કારો એનાયત કરાયા હતા. જેમાં ઉત્કૃષ્ટ ૪-યુવા કારીગર, ૪ ઉત્કૃષ્ટ મહિલા કારીગર તથા લુપ્ત થતી કલાના ૪ કારીગરો, ૧૯ મહિલા કારીગર, ૨૫ પુરૂષ કારીગર મળી કુલ ૪૪ કારીગરોને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત મહાનુભાવોએ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત કરી સ્ટોલમાં પ્રદર્શન-સહ-વેચાણ અંગે પૃચ્છા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન વાજપેયી બેંકેબલ યોજના  હેઠળ બે લાભાર્થીઓને એક રીક્ષા તથા એક પીક અપ વાન આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મેયર નિલેશભાઈ રાઠોડ, વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યભાઈ દેસાઈ, મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડીયા, અગ્રણી ડો. વિજયભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કુટિર અને ગ્રામોદ્યોગ સચિવ, મનપા કમિશનર દિલીપ રાણા, કલેક્ટર અતુલ ગોર, ડી. ડી. ઓ. મમતા હિરપરા, ગરવી ગુર્જરીના એમ. ડી., ખાદી ગ્રામોદ્યોગના અધિકારીઓ-કર્મચારીઓ, રાજ્યભરમાંથી આવેલા કલા-કારીગરો તેમજ વડોદરાના કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.