અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપની રિસાયક્લિંગની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. આ કંપનીમાં શનિવારે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા અને કંપનીના કામદારોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. વેસ્ટનું રિસાયક્લિંગ કરતી કંપનીમાં આગ લાગતાં ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ પાનોલી ફાયર અને અંકલેશ્વર DPMC ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. કામદારોને બચાવ અર્થે 108 પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

ભારે જહેમત બાદ પણ મોડે સુધી આગની લપેટ ચાલુ હતી. આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ આગ કયા કારણોસર લાગી એ હજુ તપાસનો વિષય બન્યો છે. આ ઘટનામાં ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે બનાવની જાણ થતા ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થનો સ્ટાફ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. હવે આ અંગે આગળ શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.