નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા ૩ ડબ્બા બળીને ખાખ

નવીદિલ્હી: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, ૩ ડબ્બા બળીને ટ્રેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન ગાડી નંબર- ૦૨૫૭૦ નવી દિલ્હીથી દરભંગા બિહાર તરફ જઈ રહી હતી. ટ્રેન જ્યારે ઈટાવાના સરાય ભૂપત વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનમાં આગ લાગી હતી. જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને ૩ ડબ્બા બળીને ખાખ થઈ ગયા.

રેલવેના જણાવ્યા મુજબ ટ્રેનમાં આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી, જ્યારે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, ત્યારે તમામ મુસાફરોને સુરક્ષિત ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ કયા કારણોથી લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.

બુધવારે બપોરે ૧૨ વાગ્યે લગભગ દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન ગાડી નંબર ૦૨૫૭૦ નવી દિલ્હીથી દરભંગા બિહાર જવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના થઈ. જ્યારે આ ટ્રેન ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના સરાય ભૂપત વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનના એક ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને ડ્રાઈવરે ટ્રેન તરત અટકાવી દીધી અને ઈટાવા સ્ટેશન પર જાણકારી આપી. સૂચના મળતા જ જીઆરપી, આરપીએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી, જો કે રાહતની વાત એ છે કે ત્યાં સુધી તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ચૂક્યા હતા. ધીમે ધીમે ટ્રેનનો એક ડબ્બો આગની ચપેટમાં આવ્યો અને ત્યારબાદ વધુ બે ડબ્બામાં આગ પ્રસરી હતી અને ૩ ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા.  સમયસર સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી.