જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયા

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત સતર્ક છે. તાજેતરમાં જ જૂનાગઢ ખાતે મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા આશરે રૂ. ૭ લાખની કિંમતનો ૨૧૦૦ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વલસાડ ખાતે પણ મે. ચરણામૃત ડેરી અને મે. જશનાથ ટ્રેડર્સ ખાતે તપાસ હાથ ધરાતા રૂ. ૩.૩૪ લાખની કિંમતનો આશરે ૫૩૩ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બંને મળી રાજ્યમાં કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિલોગ્રામ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા જપ્ત કરાયો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ઘીમાં ભેળશેળ કરતા હોવાની મળેલી બાતમીના આધારે ગાંધીનગર વડી કચેરી તેમજ જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢની મે. જય ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ ખાતે સફળ રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. પેઢીના માલિક કમલેશકુમાર સોઢા વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હતા. તપાસ દરમ્યાન શંકાસ્પદ “અમુલ ઘી” તથા “કૃષ્ણા ઘી”ના ૧૫ કિગ્રા પેકિંગમાં જથ્થો જોવા મળ્યો હતો, જેનું બીલ રજૂ કર્યું ન હતું પરંતુ નિવેદનથી આ ઘી તેઓએ મે. જી.પી.એસ. ઓઇલ ઇન્ડડસ્ટ્રીઝ, મુંબઈથી વગર બીલે ખરીદ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘીમાં તેઓ પામોલીન ઓઇલ, વનસ્પતિ તથા બીજી હલ્કી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરી નીચી ગુણવત્તા વાળું ભેળસેળ યુક્ત ઘીનું ઉત્પાદન કરી પોતાની “વ્રજ મટુકી” અને “શ્રી કાઠીયવાડી ગીર બ્રાન્ડ”થી અલગ-અલગ પેકીંગમાં પેક કરી ૧ લિટરના રૂ. ૨૫૦/- લેખે વેચતા હોવાનું જણાયું હતું.

સ્થળ પર મેજીક બોક્ષ દ્વારા ઘીની ગુણવત્તા અંગે ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે પેઢીના માલિકની હાજરીમાં જ ઘીના છ (૬) નમુના લેવાયા હતા અને બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કમિશનરે ઉમેર્યું હતું કે, વલસાડ ખાતે પણ વલસાડ વર્તુળ કચેરી દ્વારા ઉમરગામ તથા તાપી તાલુકામાં સઘન ચેકીંગ હાથ ધરાતા ઉમરગામની મે. ચરણામૃત ડેરીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો જોવા મળ્યો હતો. પેઢીના માલિક મિતુલભાઇ ધામેલીયાની હાજરીમાં “રંગ મધુર ગાયનું ઘી” કે જે નીચલી ગુણવત્તા વાળા બટરમાંથી બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું. અહિ ઉત્પાદિત “રંગ મધુર ગાયનું ઘી”ના કુલ ૨ નમુનાઓ લઇ આશરે ૫૦૦ કિ.ગ્રા. જેટલો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે જ અન્ય પેઢી મે. જશનાથ ટ્રેડર્સ ખાતેથી પણ પેઢીના માલિક સુરેશકુમાર સરનની હાજરીમાં “સરન પ્રિમિયમ ગાયનું ઘી” તથા “વાસ્તુ એગમાર્ક ઘી”ના કુલ ૨ નમુનાઓ લઇ બાકી રહેલ ૩૩ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત રુ. ૨૧,૦૦૦/- છે તે જપ્ત કરવામાં આવ્યો છે.