હિમાલય તરફથી પવન ફૂંકાશે ત્યારે મહારાષ્ટ્રમાં ફૂલગુલાબી ઠંડીનો માહોલ સર્જાશે

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો.કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં પવનની ગતિ ઘણી મંદ થઇ ગઇ છે. સાથોસાથ પવન પણ પૂર્વ(ઇશાન) દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે.ઇશાનના પવનો તેની સાથે થોડીક ગરમી પણ લાવતા હોવાથી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં શિયાળાના ઠંડા અને ગમતીલા વાતાવરણનો અનુભવ નથી થતો.પવનો ઉત્તર-પૂર્વના અને સંપૂર્ણ ઉત્તરના એટલે કે હિમાલયની બરફીલી પર્વતમાળામાંથી ફૂંકાવા શરૃ થશે ત્યારે જ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ફુલગુલાબી ટાઢનો મજેદાર અનુભવ થશે. શિયાળાનો ઠંડાગાર માહોલ લગભગ જાન્યુઆરીમાં શરૃ થવાની શક્યતા છે એવો સંકેત હવામાન ખાતાએ આપ્યો હતો.

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મુંબઇના મહત્તમ તાપમાનમાં અને ભેજના પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે. ૧,૨ ડિસેમ્બરે મુંબઇ સહિત આજુબાજુનાં સ્થળોએ તથા મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું. જાેકે ત્યારબાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે.વાતાવરણ ગરમ બની રહ્યું છે.હાલ નવેમ્બર પૂરો થયો અને ડિસેમ્બર શરૃ થઇ ગયો હોવા છતાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની અસર વરતાતી નથી.