કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા ખાતે ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્મંત્રીના વિધાનસભા મતવિસ્તારમાં રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.

આ તિરંગા યાત્રા પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને એક બહુ જ ઉમદા ભાવ સાથે જનતા સામે રાખ્યું છે. 1857 થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ.

આપણને આઝાદી મળી તેની પાછળ લાખો કરોડો લોકોએ 90 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યાં હતાં. કેટલાય વીર સપૂતો અને ક્રાંતિકારીઓ યુદ્ધના મેદાનમાં વીરગતિ પામ્યા હતા. ભગતસિંહ, ખુદીરામ બોઝ, બાબુ કુંવર સિંઘ સહિત કેટલાંય વીર શહીદો હસતા હસતા ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે વીરગતિ પામ્યાં હતાં. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી, તેમના બલિદાન આપણી આવનારી પેઢી અને દેશ માટે જીવન જીવવાના સંસ્કાર છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ જણાવ્યું હતું કે, લોકતંત્રની જનની એવો આપણો દેશ આઝાદીના 75 મા વર્ષમાં પ્રવેશ્યો છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોમાં દેશભક્તિનો જુવાળ ઊભો કર્યો છે. વડાપ્રધાને 15 ઓગસ્ટ 2023 થી 15 ઓગસ્ટ 2047 સુધી આઝાદીનો અમૃતકાળ ઉજવવા માટે આહવાન કર્યું છે. દેશના 75 થી 100 વર્ષની આ યાત્રામાં આપણે સૌ દેશવાસીઓ દેશને દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે આપણું સંપૂર્ણ યોગદાન અર્પણ કરવા કટિબદ્ધ છીએ. આ અમૃતકાળ યુવા પેઢી માટે ખૂબ જ મહત્વનો છે. 90 વર્ષ સુધી યુવા પેઢીએ આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો હતો.

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

‘હર ઘર તિરંગા’ અને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંગે વાત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનમાં દેશમાં આબાલવૃદ્ધ સૌ કોઈ સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા હતાં. આજે તિરંગા સાથે અહીં ઉપસ્થિત વિશાળ જનમેદની જોઈને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન પણ સફળ થતું દેખાઈ રહ્યું છે.

ગત વર્ષે દેશના દરેક ઘર પર જોશભેર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ રાષ્ટ્રભાવનાને સમર્પિત આ જનઅભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ આ વર્ષે એક કરોડથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવા અને ગામેગામથી માટીને એકત્રિત કરીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ મંત્રીએ ઉપસ્થિત જનમેદનીને પોતાના ઘર પર તિરંગો ફરકાવીને તેની સેલ્ફી ઓનલાઇન અપલોડ કરીને આ મહાઅભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

આ તિરંગા યાત્રા ફ્લેગ ઓફ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પહેલાં કાશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. ભૂતકાળમાં આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ હિંમતભેર કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો હતો. દેશની ભાવિ પેઢીને તિરંગો લહેરાવવા માટે સંઘર્ષ ના કરવો પડે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહની જોડીએ સંઘર્ષ કર્યો હતો.  તેમના સબળ નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને દેશને એક અને અખંડ બનાવવામાં આવ્યો. જેના લીધે આજે કાશ્મીરમાં તિરંગો શાનથી ફરકી રહ્યો છે.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે આપણે આંતકવાદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવામાં સફળ થયા છીએ. દેશભરમાં પોલીસ દળો, સીઆરપીએફ, બીએસએફ, પેરા ફોર્સ સહિતના સુરક્ષા દળોએ આજે દેશનું ગૌરવ વધાર્યું છે.

‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન પર ગત વર્ષે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘરે ઘરે તિરંગો લહેરાયો હતો. દેશભરમાંથી લોકો જોશભેર આ રાષ્ટ્ર ભાવના જગાવતા આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આ વર્ષે પણ રાષ્ટ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં થનાર છે.

આઝાદીના 75 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરતા આપણે 1 કરોડથી વધારે તિરંગા લહેરાવવાનું અભિયાન ગત વર્ષે ઉપાડ્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત તિરંગામય બન્યું હતું. સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદ શહેરે આઝાદીની આહલેખ જગાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ વર્ષે પણ અમદાવાદ સહિત ગુજરાતભરમાં  ગત વર્ષની જેમ જ આન બાન શાનથી 1 કરોડથી વધુ તિરંગા લહેરાવવાનું આયોજન છે. આજે અમદાવાદીઓ તિરંગાના રંગે રંગાયેલા છે તેનું ભવ્ય ઉદાહરણ આ તિરંગાયાત્રા છે.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીની અનેક ગાથાઓ તિરંગામાં સમાયેલી છે. તિરંગો આપણી રાષ્ટ્રીય એકતા,અખંડિતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. આજે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આપણે સૌ અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ. અમૃતકાળ આપણા સૌ માટે કર્તવ્યકાળ છે. બધા જ દેશવાસીઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે તો આપણે આપણા સ્વાતંત્ર સેનાનીઓના સ્વપ્નનું ભારત અવશ્ય બનાવી શકીશું.

આઝાદીના જંગમાં અગ્રેસર રહેલું ગુજરાત ‘મારી માટી,મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનને પણ સફળ બનાવીને ભારતને 2047માં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બનાવવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ અર્પણ કરશે. આપણા વડાપ્રધાને આઝાદીના અમૃતકાળમાં આપણને પાંચ સંકલ્પ આપ્યા છે, જેમાંનો બીજો સંકલ્પ ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અપાવવાનો છે. વડાપ્રધાનના  નેતૃત્વમાં હમણાં જ સંસદમાં ગુલામીના પ્રતિક સમાન ત્રણ જૂના કાયદાઓ નાબૂદ કરીને દેશના નાગરિકોના બંધારણીય અધિકારોને સુરક્ષા આપતા નવા કાયદા રજૂ કરવામાં છે. આ કાયદાઓમાં દેશમાં ક્રિમીનલ જસ્ટિસ કડક બનાવવા અને મહિલા સુરક્ષા અંગે કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

સૌ ઉપસ્થિતોને દેશભક્તિના અભિયાનમાં જોડાવા માટે અપીલ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રભાવના મજબૂત કરતા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં આપણે  સૌ જોશભેર જોડાઈએ અને સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પણ આપણી સેલ્ફી અપલોડ કરીને તથા ઘર પર પણ તિરંગો લહેરાવીને આપણો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના ઉજાગર કરીએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઉપસ્થિત પોલીસ બેન્ડ દ્વારા સંગીતના તાલે મહાનુભાવોને આવકારવામાં આવ્યાં હતાં. પ્લાટૂન કમાન્ડોની આગેવાનીમાં  વિવિધ પોલીસ દળોની પરેડ સાથે ઉપસ્થિત મહાનુભાવો એ ફ્લેગ ઓફ કરાવીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ઉપસ્થિત મહાનુભાવો ત્યારબાદ લોકો સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુશ્રી પ્રવિણા ડી. કે., ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન, અમદાવાદના ધારાસભ્યો, સાંસદો, પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, વિવિધ પોલીસદળો, કોર્પોરેટર્સ સહિત મોટી સંખ્યામાં જાહેર જનતાએ તિરંગાનું સન્માન વધારતી યાત્રામાં જોશભેર ભાગ લીધો હતો.