સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં રૂ. ૯૮.૨૮ લાખનો ખર્ચે ૮૨૨ શૌચાલય બનાવાયા

રાજ્યની ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે તેની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ ગૃહમાં રજૂ કરી હતી. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં ૮૨૨ શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ શૌચાલય બનાવવા પાછળ સરકારે કુલ રૂ. ૯૮.૨૮ લાખનો ખર્ચ કર્યો છે.

ભારત સરકાર દ્વારા ૨૦૧૪માં ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરા વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે સ્વચ્છ ભારત મિશન શરૂ કરાયું છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં તાલુકાવાર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. હાલ જ્યારે ૧૫મી વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત થયેલા કામની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ ગૃહમાં રજૂ કરી હતી.

આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧.૧૬ લાખના ખર્ચે ૯૧, ગોંડલમાં ૪.૯૨ લાખના ખર્ચે ૪૭, જામકંડોરણામાં ૧૦.૩૨ લાખના ખર્ચે ૮૬, જસદણમાં ૭.૫૬ લાખના ખર્ચે ૬૩, જેતપુરમાં ૮.૭૬ લાખના ખર્ચે ૭૨, કોટડાસાંગણીમાં ૭.૬૮ લાખના ખર્ચે ૫૬, લોધીકામાં ૪.૬૮ લાખના ખર્ચે ૩૯, પડધરીમાં ૧.૦૮ લાખના ખર્ચે ૯, રાજકોટ તાલુકામાં ૮.૪૦ લાખના ખર્ચે ૭૦, ઉપલેટામાં ૨૭.૮૪ લાખના ખર્ચે ૨૩૯ અને વિંછીયામાં ૫.૮૮ લાખના ખર્ચે ૫૦ શૌચાલયો બનાવવામાં આવ્યા હોવાની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.