અમદાવાદની બે સોસાયટીને રૂા. ૨૦-૨૦ લાખનો દંડ કરાયો

અમદાવાદની બે સોસાયટીમાં ખાળકુવાઓ ખાલી કરવાની અને તેના પાણી રસ્તા પર ના જાય તે જોવાની જવાબદારી સબંધીત સોસાયટીની હોય છે. જો તેઓ તેમ કરવામાં કસુર કરે તો ગંદા પાણી રસ્તા પર આવતાં રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આ સોસાયટીઓને હવે જ્યાં સુધી દંડની રકમ નભરે ત્યાં સુધી મ્યુનિ.ને લગતી સુવિધા મળી શકશે નહીં. સામાન્ય રીતે ગટરનું જોડાણ કે પાણીના જોડાણ આપતાં પહેલા મ્યુનિ.ના બાકી લેણાં સોસાયટીએ પૂરા કરેલા હોવા જોઇએ. આ સ્થિતિમાં જો આ બંને સોસાયટી તે લેણાં જમા નહીં કરાવે તો ગટર-પાણીના જોડાણો મળવામાં વિક્ષેપ ઉભો થશે.

પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે કહ્યું કે, ફ્લેટ કે બિલ્ડિંગ બને ત્યાં જો ખાળકૂવા હોય તેની ક્ષમતાની યોગ્ય ચકાસણી મ્યુનિ. દ્વારા થવી જોઈએ. રહેણાંક મકાનોની ક્ષમતાં પ્રમાણે જો ખાળકૂવા ન હોય તો તેવી બિલ્ડિંગને બીયુ પરમિશન ન આપવી જોઈએા રામોલ હાથીજણ વોર્ડ લાંબા સમયથી મ્યુનિ.ની હદમાં ભેળવવામાં આવ્યા છે, પણ અનેક વિસ્તારમાં હજુ ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી.

આ વોર્ડની અનેક સોસાયટીમાં હજુ પણ ખાળકૂવા જ છે, ત્યારે રામોલ – હાથીજણની ધી ધર્મવાટિકા અને બાલેશ્વર સિલ્વરલાઇન હાઉસિંગ સોસાયટીએ જાહેર રસ્તા પર ગંદું પાણી છોડીને રોડને નુકસાન કરવા બદલ ૨૦-૨૦ લાખનો દંડ ફટકારતી નોટિસ આપી છે. પૂર્વ ઝોન ઇજનેર વિભાગે ભક્તિપથ રોડ પર આવેલી બાલેશ્વર સિલ્વરલાઇન અને ધર્મવાટિકા સોસાયટીને ખાળકૂવાનું પાણી રોડ પર છોડવા બદલ દંડ કર્યો છે. ૭ દિવસમાં બંને સોસાયટીને દંડની રકમ ભરી દેવાની સૂચના આપવામાં આવી છે. ગંદુ પાણી રોડ પર ફરી વળતાં ટીપી રોડને નુકસાન થયું છે. પૂર્વ ઝોનના ઈજનેર ખાતાએ અગાઉ પણ બંને સોસાયટીના રહીશોને પાણી નહીં છોડવાની ચેતવણી આપી હતી. આમ છતાં બંનેએ કોઈ પગલાં લીધા ન હતી. મ્યુનિ. રોડને થયેલા નુકસાન બદલ આ દંડ વસૂલ કરશે. ૭ દિવસમાં દંડ ન ભરે તો મ્યુનિ. વધુ કાર્યવાહી કરશે.