પાટણમાં રાણકી વાવ પાસેના ખરાબ રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ

પાટણ શહેરના કનસડા દરવાજાથી વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવને જોડતા માર્ગને કરોડો રુપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે આ નવીન માર્ગ સદંતર ધોવાઈ જવાથી બદતર થયો છે. હાલમાં કનસડા દરવાજાથી રાણકીવાવ સુધીનો માર્ગ ઉબડખાબડ થઈ ગયો છે. આ માર્ગ પર થોડાક અંતરોમાં મોટા ખાડા પડી જવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાતે ખાનગી વાહનો મારફતે અનેક પર્યટકો આવી રહ્યા છે ત્યારે આ માર્ગની બદતર હાલતને લઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં બનાવેલા વર્લ્‌ડ હેરિટેજ માર્ગનો ડામર સદંતર ધોવાઈ જવાના કારણે આ માર્ગ ધુળીયો બની ગયો છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા આ માર્ગ માટે કરવામાં આવેલી નબળી ગુણવત્તાવાળી કામગીરી ઉડીને આંખે વળગી રહી છે.

રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. કનસડા દરવાજા થી રાણકી વાવ સુધીનો રોડ ઠેરઠેર ધોવાઈ ગયો છે. હજારો પ્રવાસી રાણકી વાવ આવતા હોય છે. ત્યારે રાણકી વાવ જવાનો રોડ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.પાટણના કનસડા દરવાજાથી રાણકી વાવ સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૪મા નાણાપંચની ગ્રાંટમાંથી વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા નવીન માર્ગોમાં નબરી ગુણવત્તાવાળી કામગીરી થઈ હોવાનું છતું થયું છે.