હળવદ પાસે નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થતાં ચકચાર મચ્યો

હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલો બંધ કરવામાં આવી છે. ત્યારે હળવદ શહેરના જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પણ બંધ થઈ છે. જેને લઈ કેનાલમાં રહેલી હજારો માછલીઓના મોત થયા છે. આ માછલીઓના મોતને લઈ જાણકારો કહી રહ્યા છે કે, કેનાલમાં પાણી બંધ થવાને કારણે હાલ જે કેનાલમાં પાણી બચ્યું છે, એટલા પાણીમાં માછલીઓ રહી ન શકે સાથે જ હાલમાં ગરમીનો પારો પણ ઊંચકાયો છે જેથી તાપ અને ગરમીના કારણે પણ આ માછલીઓના મોત થયા હોઈ શકે છે.

બીજી તરફ અનેક માછલીઓના મોતથી કેનાલ કાઠે ખેતી કરતા ખેડૂતો પણ દુર્ગંધથી પરેશાન થયા છે. તેમજ માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી પ્રસરી છે.

હળવદની જીઆઇડીસી પાછળથી પસાર થતી નર્મદા કેનાલમાં હજારો માછલીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નર્મદા કેનાલ બંધ થઈ ગઈ હોય અને હાલ ગરમીનો પારો ઊંચકાયો હોવાના કારણે માછલીઓના મોત થયા હોવાનું જાણકારો કહી રહ્યા છે. હળવદમાં હાલ ૪૩ ડીગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યુ છે.