આ વર્ષે ઠંડી ન પડતા કેરીની અનેક વાડીઓમાં માત્ર ૩૦ થી ૪૦ ટકા જ ફ્લાવરિંગ થયું

અમદાવાદ: આ વર્ષે કેરીની કાગડોળે રાહ જાતા હોય તો તમારી આશા વ્યર્થ જશે. ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યાં છે. જેની અસર પાક પર થઈ રહી છે. ડિસેમ્બર બાદ આવતા હવામાનના પલટાની સૌથી મોટી અસર કેરીના પાક પર થતી હોય છે. ત્યારે આ વર્ષે વાતાવરણના પલટાએ કેરીના પાકને ખેદાનમેદાન કરી દીધો છે. જેનાથી ખેડૂતો પણ ટેન્શનમાં આવી ગયા છે.

સામાન્ય રીતે ડિસેમ્બર કે મોડામાં મોડા જાન્યુઆરી મહિના સુધી કેરી પર ફુલ લાગી જતા હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધોઅડધ પતી ગયો છે, છતાં કેરી પર ફ્લાવરિંગના કોઈ ઠેકાણા નથી. દક્ષિણ ગુજરાતમાં આવેલી કેરીની અનેક વાડીઓમાં માત્ર ૩૦થી ૪૦ ટકા જ ફ્લાવરિંગ થયું છે. કેરીના પાક માટે ઠંડી જરૂરી છે. પરંતુ આ વર્ષે ઠંડી પડી જ નથી. ડિસેમ્બરથી છેક ફેબ્રુઆરી મહિનો આવી ગયો, પરંતું ઠંડીના કોઈ ઠેકાણા નથી. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આંબા વાડી ધરાવતા ખેડૂતો પર મોટું ટેન્શન આવી ચઢ્યું છે.

ડિસેમ્બરની ઠંડીમાં દસેક દિવસ હાડ થીજવતી ઠંડી પડે ત્યારે કેરી ફુલ લાગતા હોય છે. પરંતું આ વર્ષે તાપમાન ઘટ્યુ જ ન હતું. ત્યારે ખેડૂતોને એમ કે જાન્યુઆરીમાં તો ઠંડી પડશે, પરંતુ જાન્યુઆરીમાં પણ ઠંડી ન પડી. હવે તો ફેબ્રુઆરી મહિનો પણ દસ દિવસમાં પૂરો થઈ જશે, પંરતુ કેરી પર ફુલ આવવાના કોઈ અણસાર દેખાતા નથી. હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે, કેરી પર માત્ર ૩૦થી ૪૦ ટકા ફુલ લાગ્યા છે. તેથી જો હવે ફેબ્રુઆરી મહિનામાં ઠંડી પડે તેવુ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. આ ઠંડી કેરી પકવતા ખેડૂતો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. આ અસર આખા દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ સહિત સુરત, વલસાડ, વાપી, નવસારીમાં પણ જાવા મળી રહી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણ આ વર્ષે કેરીનો સ્વાદ ફિકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.