નડિયાદમાં પાણીની લાઈન તુટતા પાણીનો ચોતરફ ફરી વળ્યું

છેલ્લા ઘણા વર્ષોથી નડિયાદ નગરજનો માટે શુદ્ધ આરઓનું પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે અણ આવડતનો વધુ એક નમૂનો ગતરોજ જોવા મળ્યો છે. શહેરના પારસ સર્કલ નજીક મુક્તિધામ સામે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ કરાઈ છે. રવિવારના રોજ આ કામગીરી દરમિયાન નજીક આવેલા પિવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. આ ભંગાણ સર્જાતા ભંગાણ વાળી જગ્યા કવર કરી પાલિકાના કર્મચારીઓ ચાલ્યા ગયા હતા. મોડી સાંજે પાલીકા દ્વારા આ વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવતાં અહીંયા ભંગાણ પડેલી જગ્યામાંથી પાણી રોડ પર ફરી વળ્યું હતું. લગભગ એક લાખ લીટર પાણીનો વેડફાટ થયો હતો. જે શુદ્ધ પાણી ગટરમાં વહી ગયુ છે.

રાત્રીના સમયે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા આ મામલે તુરંત પાલિકાના સત્તાધીશોને જાણ કરાઈ હતી. પરંતુ રાતનો સમય હોવાથી કામ અશક્ય લાગતું હોવાથી બીજા દિવસે સવારથી જ આ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી દેવાઈ હતી.

જોકે, પાલીકા પાસે અધતન ટેકનોલોજીના સાધનો ન હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો છે.

રાત્રિના સમયે આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. પારસ સર્કલથી નાના કુંભનાથ જવાના માર્ગ પર પાણી ફરી વળતાં અહીંયાથી પસાર થતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક બાજુ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા આજે પણ પાલીકા ઉકેલી શકતી નથી તો બીજી બાજુ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતાં નગરજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.એક બાજુ સરકાર દ્વારા પાણી બચાવોની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. આ વચ્ચે નડિયાદ નગરપાલિકાની આ બાબતે ઘોર બેદરકારી સામે આવતાં નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે.

નડિયાદમાં રવિવારની રાત્રે લગભગ એક લાખ લીટર પાણીનો વેડફાટ થયો છે. ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં એક લાખ લીટર જેટલું પીવાનું પાણી વહી ગયુ હતું. તો વળી રસ્તાઓ પર પાણી ભરાતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.