રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો નીચો જતાં મ્યુનિ. કમિશ્નરે સરકારને પત્ર લખ્યો

રાજકોટની ભવિષ્યની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા હાલ અલગ અલગ સ્થળોએ વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. રૈયાધાર વિસ્તારમાં ૫૦ એમએલડી ની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. આગામી મે માસમાં આ વોટર ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નર્મદાની નીરની માગણી કરવામાં આવી છે.

હાલ દૈનિક વિતરણ વ્યવસ્થા માટે ન્યારી ડેમમાંથી રોજ ૭૦ એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. નવો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થયા બાદ દૈનિક સરેરાશ ૧૦૦ એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવશે.રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની સામે જળસ્ત્રોતની સંખ્યામાં કોઇ જ વધારો થયો નથી.

રાજકોટની જીવાદોરી સમાન તમામ જળાશયો ચોમાસામાં સતત એક-એક મહિના સુધી ઓવરફ્લો થતાં હોવા છતાં શિયાળાના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં જ ડેમ ખાલી થવાની અણી પર આવી જાય છે. ત્યારે રાજકોટવાસીઓને રોજિંદા નિયમીત ૨૦ મિનીટ પાણી પૂરું પાડી શકાય તે માટે મનપા કમિશનર અમિત અરોરાએ ફરી રાજ્ય સરકારને પત્ર લખી નર્મદા નીરની માગ કરી છે. આજી અને ન્યારી ડેમમાં ૧૦૫૦ એમસીએફટી નર્મદા નીરનો જથ્થો સૌની યોજનાથી આપવા રજુઆત કરી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓને રોજિંદા ૨૦ મિનીટ પાણી મળી રહે તે માટે સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી અને ન્યારી ડેમમાં ૧૦૫૦ એમસીએફટી નર્મદાનું નીર ફાળવવા માટે સરકારને પત્ર લખી માગણી કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ થોડા દિવસ પહેલા સરકારને પત્ર લખી નર્મદા નીરની માગ પત્ર લખી કરી હતી. રાજકોટમાં શહેરીજનોને રોજિંદા ૨૦ મિનીટ પાણી પૂરૂ પાડવા માટે દૈનિક ૩૬૫ એમએલડી પાણીની આવશ્યકતા રહે છે. જેમાં આજી ડેમમાંથી રોજ ૧૩૦ એમએલડી, ન્યારી ડેમમાંથી ૭૦ એમએલડી અને ભાદર ડેમમાંથી ૪૦ એમએલડી પાણી ઉપડવામાં આવે છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નર્મદા પાઇપલાઇન દ્વારા રાજકોટને દૈનિક ૧૨૫ એમએલડી નર્મદાનું પાણી આપવામાં આવે છે. હાલ આજી ડેમમાં ૫૫૦ એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ છે.

દૈનિક ઉપાડ મુજબ આજી ડેમ ૩૧ માર્ચ સુધી સાથ આપે તેમ છે. જ્યારે ન્યારી ડેમમાં ૧૦૧૫ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. રૈયાધાર ખાતે ૫૦ એમએલડી ક્ષમતાનો નવો ફીલ્ટર પ્લાન્ટ આગામી મે મહિના સુધીમાં કાર્યરત થઇ જશે તથા ન્યારી-૧ ડેમના દરવાજાના સીલ બદલાવાની કામગીરી હાથ ધરવાની થતી હોય ડેમમાંથી રો-વોટરનો ઉપાડ વધી જશે. હાલ ૭૦ એમએલડી ના બદલે ૧૦૦ એમએલડી થવા પામશે. ન્યારી ડેમ ૩૦ જૂન સુધી સાથ આપશે અને ત્યારબાદ માત્ર ડેમમાં ૧૬૫ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ રહેશે.

રાજકોટવાસીઓને ચોમાસાની સિઝન સુધી નિયમિત ૨૦ મિનીટ પાણી પૂરૂ પાડી શકાય તે માટે ડેમમાં ૩૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવા માગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આજી ડેમમાં ૭૦૦ એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત ઠાલવવાનું ૧ માર્ચથી શરૂ કરી દેવામાં આવે જ્યારે ન્યારી ડેમમાં ૩૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ૧ મેથી ઠાલવવાનું શરૂ કરવામાં આવે તે માટે માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો હોવાના કારણે હવે રાજકોટ સંપૂર્ણપણે નર્મદા પર ર્નિભર થઇ ગયું છે.